(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
ગૌરી વ્રતનો પ્રારંભ શુક્રવારના દિવસથી શરૂ થઇ રહ્યો છે. આ હિન્દુ પર્વ દરમ્યાન ૫૧ મુસ્લિમ કુવારિકાઓએ વ્રત કરનાર હિન્દુ કુમારીકાઓને મહેંદી મુકીને કોમી એકતાની મહેંક પ્રસરાવી હતી.
શહેરની સામાજિક કાર્યકર નિતીશા રાજપુત દ્વારા ગૌરી વ્રત દરમ્યાન ૧૨૫ કુમારીકાઓને ડ્રાયફૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું નિતીશા રાજપુતનાં ટ્રસ્ટ તરફથી શહેરની આર એન્ડ કે પંડયા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ૫૧ મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા ગૌરી વ્રત કરનાર કુમારીકાઓને મહેંદી મુકવામાં આવી હતી. આ દ્રશ્ય જોઇને કોમી એકતા મહેકી ઉઠી હતી. આજે હિન્દુ-મુસ્લિમ વચ્ચેની ખાઇ વધતી જઇ રહી છે. તે દરમ્યાન વ્રત રાખનાર કુમારીકાઓનાં હાથમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ દિલ મુકીને મહેંદી લગાવી હતી. આમ હિન્દુ મુસ્લિમ કુમારીકાઓનાં ભાઇચારા જોઇને અનેરો કોમી એકતાનો માહોલ સર્જાયો હતો.