(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૪

અમદાવાદ શહેર નજીક આવેલ હાથીજણના આશા ફાઉન્ડેશનમાં કેટલાક પક્ષીઓને બર્ડફલૂ થયાનું બહાર આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા ૧ કિ.મી. સુધીના સમગ્ર વિસ્તારને ચેપગ્રસ્ત જાહેર કરાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકોએ તેમના સગા-સંબંધી અને મિત્રોને ત્યાં હિજરત શરૂ કરી દીધી છે. જ્યારે કેટલાક લોકો તૈયારી કરી રહ્યા છે.

બીજી તરફ આશા ફાઉન્ડેશનમાં કામ કરતાં ૧૪ કાર્યકરોને ટેમી ફલૂની દવા આપી તમામને સાત દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.  અમદાવાદમાં પ્રથમવાર બર્ડફલૂના છ કેસ મળી આવતા સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હાથીજણ ગામમાં અસંખ્ય મરઘીઓને મારી આશા ફાઉન્ડેશનની સામે સરકારી જમીનમાં દાટી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ બર્ડફલૂગ્રસ્ત વિસ્તારની એક કિ.મી. સુધીનો વિસ્તાર ચેપી જાહેર કરાયો છે અને આસપાસના ૧૦ કિ.મી. વિસ્તારને એલર્ટ કરાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે બે દિવસથી અહીં આરોગ્ય તંત્રની ટીમે ધામા નાખતા લોકોને પરિસ્થિતિ વધુ ગંભીર હોવાનો ખ્યાલ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર અતુલ પટેલ કહે છે ‘અન્ય પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓને દાટવાને બદલે ગ્રામીણોને અંધારામાં રાખીને તંત્રે ગામની વચ્ચોવચ્ચ દાટવાથી લોકો ભયભીત છે. આશા ફાઉન્ડેશનને ભલે કોર્પોરેશને ત્રણ મહિના માટે સીલ કર્યુ છે પરંતુ આને કાયમ માટે ખસેડવાની લોકલાગણી છે. ફક્ત હાથીજણને બર્ડ ફલૂગ્રસ્ત ગણી એક કિમીના વિસ્તારમાં આવેલી પાંચ ચિકનની દુકાનને મ્યુનિ. હેલ્થ વિભાગે સીલ કરી છે. મ્યુનિ.હેલ્થ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર સી.આર. ખરસાણ ‘સબ સલામત’નો દાવો કરી રહ્યા છે. જ્યારે હેલ્થના ઇન્ચાર્જ વડા ડો.ભાવિન સોલંકી કહે છે ‘બર્ડ ફલૂની રસી નથી હોતી પરંતુ તકેદારીનાં પગલાં રૂપે લોકોને ટેમી ફલૂની ગોળી અપાય છે. અત્યાર સુધીના સર્વેના આધારે ૩૦ લોકોને ટેમી ફલૂ અપાઇ છે. તકેદારીનાં પગલાં તરીકે હોટલોમાં ઇંડાં-ચિકનના વપરાશ પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાની કોઇ સરકારી સ્તરે સૂચના મળી નથી.’

જો કે હાથીજણ ઉપરાંત હીરાપુર, નાંદેજ, બારેજડી સહિતનાં આસપાસના વિસ્તારમાં લોકોમાં રીતસરનો બર્ડ ફલૂનો ગભરાટ ફેલાયો છે. તેમ છતાં સરકારી તંત્ર તકેદારીનાં પગલાં લેવા પણ ‘ઉપર’થી સૂચનાની કે આ કે તે વિભાગની જવાબદારી થતી હોવાની વાતો કરતું હોઇ લોકોમાં રોષ પણ ફેલાયો છે. એક સમયે અલ્હાબાદ-લખનૌથી અજાણી વ્યક્તિઓ ચાઇનીઝ મરઘી લઇને અમદાવાદ આવ્યા હતા. તેમ સ્થાનિક લોકોમાં ચર્ચાતું હતું હવે મુંબઇ તરફની અજાણી વ્યક્તિઓ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરંતુ આ લોકોએ કોઇ વેપારી કે પોલ્ટ્રી ફાર્મમાં ચાઇનીઝ મરઘીનું વેચાણ કર્યું હોય તેવી પણ આશંકા વ્યક્ત થઇ રહી છે. જો કે પોલીસની તપાસમાં હજુ સુધી કોઇ નક્કર વિગતો જાણવા મળી નથી.

 

ચિકન-ઈંડાં ખાવાથી બર્ડફલૂ ફેલાતો નથી

આ વાયરસ ત્રણ સ્ટેજમાં ફેલાય છે જેમાં પહેલા સ્ટેજમાં ભારે તાવ આવવો ખાંસી, ઝાડા-ઉલટી અને ગળું પકડાય છે ત્યાર બાદ બીજા સ્ટેજમાં ફેફસામાં આ વાયરસ ફેલાય તો ન્યુમોનીયા થાય છે જ્યારે બંન્ને ફેફસાંમાં ફેલાઇને એઆરડીએસ થાય છે જે બંન્ને ફેફસાંને અસર કરે છે જ્યારે ચોથા સ્ટેજમાં આ વાયરસથી શરીરના મહત્વના અંગો કામ કરતા બંધ થઇ જાય છે. જેને એમઓડીએસ કહેવાય છે. આ વાયરસથી લોકોને તકલીફ થવાનું પ્રમાણ ઓછું છે પરંતુ જે લોકો આ પક્ષીઓના સંપર્કમાં આવ્યા છે તેમને આની અસર થવાની શક્યતા છે. આ માટે આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આ રોગ ચીકન ખાવાથી કે ઇંડા ખાવાથી પણ ફેલાતો નથી. વર્ષ ૨૦૧૬માં ગુજરાતમાંથી ૭,૪૭૭ પક્ષીઓના બર્ડ ફ્લૂ માટેના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં હતાં જેમાંથી તમામ નેગેટિવ હતાં એટલે કે તેમાં કોઇ બર્ડ ફ્લૂના કોઇ પુરાવા મળ્યા ન હતાં. બર્ડ ફ્લૂ મનુષ્યો માટે ઘાતક છે કારણ કે વિશ્વમાં અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂના ૮૫૬ કેસ પોઝિટીવ મળ્યાં છે. જેમાંથી ૪૫૨ લોકોનાં મોત નિપજ્યાં છે જેથી મૃત્યુ આંક ૫૫થી ૬૦ ટકા જેટલો છે જે ગંભીર ગણી શકાય.

બર્ડ ફ્લૂનાં લક્ષણો

  • સતત કફ રહેવો
  • નાકમાંથી પાણી નીકળવું
  • સતત માથાનો દુઃખાવો રહેવો
  • ગળામાં સોજો
  • સાંધામાં દુઃખાવો
  • ઝાડા-ઉલ્ટી, પેટમાં દુઃખાવો
  • પેટથી નીચેના ભાગમાં દુઃખાવો
  • શ્વાસ લેવામાં તકલીફ