રાજકોટ,તા.૧
રાજકોટમાં ફરી એક વખત અસામાજીક તત્વોએ નાગરીકો સામે રોફ જમવ્યો છે. લક્ષ્મીનગર શેરી નંબર-૧માં અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયારોના લઈ ધસી આવ્યા હતા અને ૨ કાર સહિત ૭ જેટલી રીક્ષામાં તોડફોડ કરી હતી.
જેમાં ૫ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ હુમલામાં ૧ વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તો સ્થાનિક પોલીસે હાલ અસામાજીક તત્વોની ભાળ મેળવવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
આ ઘટના મામલે મળતી જાણકારી મુજબ, રાજકોટના લક્ષ્મીનગર-૧ ખાતે ગતરોજ કેટલાક અસામાજિક તત્વો તીક્ષ્ણ હથિયારો લઇને ધસી આવ્યા હતા. માથાભારે શખ્સોએ કેટલાક નાગરીકો સામે રોફ જમાવ્યો હતો. અચાનક ધસી આવેલા શખ્સોએ લક્ષ્મીનગર-૧માં રહેલ ૨ ગાડી તથા ૭ જેટલી રીક્ષામાં તોડફોડ પણ કરી હતી.
લક્ષ્મીનગરના ૫ લોકો પર આ લોકોએ હુમલો કરતા તેઓ ઘાયલ થયાં હતા અને તેમની ગંભીર ઇજાઓ પણ પહોંચતા નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ ઘટના અંગેની જાણ નજીકના પોલીસ મથકે થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.