અમરેલી, તા.૨
અમરેલી એલસીબી પોલીસે સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામે કોમ્બીંગ ઓપરેશન હાથ ધરી, પાંચ ફાયર આર્મ્સ તથા અન્ય પ્રાણઘાતક હથિયારો પકડી પાડ્યા હતા. પોલીસે એક રિવલોવર, બે પિસ્ટ, બાર બોરની બંદૂક જીવતા કાર્ટીસ તેમજ છરી, કુહાડો લાકડી સહિતની ગેરકાયદેસર હથિયારો જપ્ત કરી પિતા પુત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલી મદદનીશ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન તળે અમરેલી એલ.સી.બી. ટીમ, તેમજ એસ.ઓ.જી. ટીમ, સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. તથા વંડા પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી સાવરકુંડલા શહેર તથા તાલુકા વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરતાં અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા તાલુકાના વંડા પો.સ્ટે. વિસ્તારના સેંજળ ગામેથી રહેણાંક મકાનમાંથી પીસ્ટલ, નંગ-૨, તેમજ રિવોલ્વર નંગ-૧ જીવતા કાર્ટીસ, બાર બોરની બંદૂક, ડબલ નાળચા વાળી નંગ-૧, ખંજર, છરી તલવાર, ગુપ્તી, કુહાડા જેવા પ્રાણઘાતક હથિયારો શોધી કાઢેલ હતા અને આ રેઇડ દરમ્યાન મકાન માલિક નરેદ્ર ઉર્ફે નટુભાઈ સુરગભાઇ ખુમાણ તેમજ ગૌતમ નરેદ્રભાઈ ખુમાણ પિતા પુત્ર રેડ દરમ્યાન નાસી ગયેલ હતા. પિતા પુત્ર સામે ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ હથિયાર ધારા તળે ગુનો નોંધી ૬૨,૯૩૦નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી નાસી ગયેલ બંને ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.