અમદાવાદ,
ગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્રનાં જળગાંવ જિલ્લાનાં હથનૂર ડેમ વિસ્તારમાં ૨૪ કલાકમાં ૪૭૨ મીમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે હથનૂર ડેમ ઓવરફ્‌લો થઈ ગયો હતો. પરિણામે આજે હથનૂર ડેમના તમામ કુલ ૪૧ દરવાજા ખોલી દેવામાં આવ્યાં હતા. જેથી ડેમમાંથી પ્રતિ સેકંડ ૪ હજાર ૮૩૯ ક્યુસેક પાણી છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રનાં જળગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજયના તાપી, સુરત ગામના લોકોને એલર્ટ પર રાખી દેવામાં આવ્યાં છે. હથનૂર ડેમમાંથી સતત પાણી છોડાઇ રહ્યું છે, જે ઉકાઈ ડેમમાં આવશે ત્યારે પરિસ્થિતિ જોખમાય નહી તેની અગમચેતીરૂપે તંત્ર દ્વારા અત્યારથી જ ભારે સતર્કતા દાખવવામાં આવી રહી છે. ૬૦૦ ક્યૂસેક છે. હથનૂરનું પાણી જેવું ઉકાઈ ડેમમાં આવશે કે સપાટીમાં ક્રમશઃ સારો એવો વધારો નોંધાશે અને ત્યારે પરિસ્થિતિ જોખમાય નહી તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ અગમચેતીના ભાગરૂપે સુરતની તાપીના કિનારાના વિસ્તારોના ગામો અને વિસ્તારોના લોકોને એલર્ટ કરી દેવાયા છે. તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

રાજ્યના વિવિધ ભાગમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના જુદા જુદા ભાગોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. બનાસકાંઠા અને વલસાડમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરુચ, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની ચેતવણીના પગલે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગાલ લેવામાં આવી રહ્યા છે. જુદી જુદી જગ્યાઓએ એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે જેમાં વલસાડ અને ઓલપાડનો સમાવેશ થાય છે. લોકોને નદી કિનારે ન જવા માટે કહેવામાં આવ્યું છે. ડાંગના ૧૦ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. પ્રવાસીઓને વાહનોના સિગ્નલ ચાલુ રાખી આગળ વધવાની ફરજ પડી રહી છે. આવતીકાલે મધ્યમથી ભારે અને બુધવારે પણ વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણી રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ છે.