(એજન્સી) પુલવામા, તા. ૨૦
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સેના દ્વારા એક નિર્દોષ ૧૨ વર્ષના કિશોર વકાસ અહમદ રેધરની ગોળી મારી હત્યા કરી દેવાઇ છે જ્યારે સેનાના જવાનો તેમના પાડોશીઓને લાઇનમાં ઊભા રાખીને માર મારી રહી હતી તે સમયે આ ઘટના બની હતી. અહેવાલો અનુસાર સેનાના જવાનો જ્યારે સાંજે પરત ફરી રહ્યા હતા ત્યારે પાસેના ગામના લોકોને ઘરમાંથી બહાર કાઢીને મારવાનું શરૂ કર્યું હતું અને નિર્દોષ લોકો પર અત્યાચાર ગુજાર્યો હતો. વકાસ એવા બાળકોમાં સામેલ હતો જેઓ લોકોને સેના દ્વારા માર મારવાનો વિરોધ કરી રહ્યા હતા. સેનાએ આ દરમિયાન પહેલા લોકોને માર મારવાનું શરૂ કર્યું હતું. અહમદના માસી શબનમે ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે, આ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને કારણે થયું છે જેમણે નિર્દોષ લોકોને મારવા માટે સેનાને પરવાનો આપી દીધો છે અને તેના કારણે જ વકાસ અહમદની હત્યા થઇ છે. ઉપરાંત સેનાએ અન્ય એક મહિલા પર પણ ગોળીબાર કર્યો હતો જેના હાથમાં ગોળી વાગી હતી. વીડિયોમાં વકાસના જનાઝામાં સેંકડો લોકો જોડાયેલા દેખાય છે જેઓ ખુલ્લામાં તેની અંતિમ નમાઝ અદા કરી રહ્યા હતા. શબનમે કહ્યું કે, લોકો એટલા ડરી ગયા છે કે, નમાઝ માટે પણ ઘરમાંથી બહાર આવી રહ્યા નહોતા. તેણે કહ્યું કે, આના પરથી જ લોકોમાં ડરનો અંદાજ લગાવી શકાય છે. તેણે કહ્યું કે છેલ્લા ચાર દિવસથી સેના અહીં પેટ્રોલિંગ કરી રહી છે. આ છોકરો ઇફતાર માટે સાંજે બ્રેડ ખરીદવા ગયો હતો અને હત્યાનો શિકાર બન્યો. સેનાએ તેની હત્યાના ઇરાદાથી જ ગોળી મારી હતી જે તેની છાતીમાં વાગી હતી. તેઓ તેની છાતીના બદલે પગમાં પણ ગોળી મારી શક્યા હોત. પરિવારજનોએ કહ્યું કે, સેનાએ તેની છાતીમાં ગોળી મારવાનું અનિર્ણાયક પગલું લીધું હતું, નહીં તો આજે વકાસ જીવિત હોત. હવે લોકો અહીં શિસ્તભંગમાંથી આઝાદીની માગ કરી રહ્યા છે અને પ્રાંતમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. વકાસ અહમદની હત્યા ૧૫મી જૂનના રોજ થઇ હતી જ્યારે તેના જનાઝાની નમાઝ ઇદના દિવસે પઢાવાઇ હતી.