અમદાવાદ,તા. ૧૮
શાહીબાગ વિસ્તારમાં પોલીસ કમિશનર કચેરી પાસે રેલવે ઓવરબ્રિજ નીચે મહિલાની માથામાં પથ્થર મારીને કરવામાં આવેલી હત્યાનો ભેદ આખરે માધવપુરા પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે બ્રિજ નીચે રખડતા અને ચરસી યુવક સુરેશ ઉર્ફે સુનીલ ઉર્ફે મનોજ ઉર્ફે સમીર ભૈરવાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના ચાર દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે અને તેની આકરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, આરોપી યુવકે માનસિક રીતે અસ્થિર એવી મૃતક મહિલા સાથે બે થી ત્રણ વખત બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા તેને પથ્થર મારી ભગાવી દેતી હતી. ગતા તા.ર૬ એપ્રિલના રોજ આરોપીએ ફરી આવો પ્રયાસ કરતાં મહિલાએ તેને લાફો મારી દીધો હતો, જેની અદાવત રાખી તા.૩૦ એપ્રિલના રોજ મોડી રાતે તેણીની હત્યા કરી તે ફરાર થઇ ગયો હતો. ચકચારભર્યા આ પ્રકરણની વિગત એવી છે કે શાહીબાગ રેલવે ઓવરબ્રિજ (મહાપ્રજ્ઞ ઓવરબ્રિજ) પાસેના રબારીવાસમાં વિનોદભાઇ વિઠ્ઠલભાઇ દંતાણી તેમના પરિવાર સાથે રહે છે. વિનોદભાઇનાં બહેન સંગીતાબહેન (ઉ.વ.૩૫)નાં લગ્ન ૧૫ વર્ષ અગાઉ થયાં હતાં, જો કે, સંગીતાબહેન માનસિક રીતે અસ્થિર હોવાના કારણે તેમના છૂટાછેડા થઇ ગયા હતા. છૂટાછેડા બાદ સંગીતાબહેન શાકભાજીનો ધંધો કરતાં અને રબારીવાસમાં રહેતા તેમના ભાઇ વિનોદભાઇ સાથે રહેતાં હતાં.અસ્થિર મગજના કારણે તેઓ અવારનવાર બ્રિજ નીચે અને આસપાસના વિસ્તારમાં જતાં રહેતાં હતાં. મોટા ભાગે બ્રિજ નીચે બેસી રહેતાં હતાં. ગત તા.૩૦ એપ્રિલે મોડી રાતે વિનોદભાઇ પાણી પીવા ઊઠ્‌યા ત્યારે જોયું તો તેમનાં બહેન ઘરમાં દેખાયાં ન હતાં. તેથી તેમણે તેમનાં પત્નીને પૃચ્છા કરી હતી. ત્યારબાદ બંને જણાં તેમને શોધવા નીકળ્યાં હતાં. છેવટે રેલવેબ્રિજ નીચે તેઓ ઘણીવાર બેસી રહેતાં હોઇ ત્યાં પણ તપાસ કરવા ગયાં હતાં અને ત્યાં પોતાની બહેનની લોહીલુહાણ હાલતમાં માથામાં પથ્થર મારી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ જોઇ હતી. આ બનાવ અંગે માધવપુરા પોલીસને જાણ કરાતાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, હરિરામ નામનો બાવાજી હત્યા સમયે આરોપીની બાજુમાં સૂતો હતો તેણે આરોપીને મોઢે રૂમાલ બાંધેલો જોયો હતો. આરોપીનો પોલીસે સ્કેચ બનાવડાવ્યો હતો, જેમાં માત્ર કપાળ અને નાક પરથી પોલીસે આરોપીની ઓળખ કરી લીધી હતી.પોલીસ તપાસમાં તે આરોપી સુરેશ ઉર્ફે સુનીલ ઉર્ફે મનોજ ઉર્ફે સમીર ભૈરવા હોવાનું ખૂૂલ્યું હતું. આરોપી બ્રિજ નીચે ચલમ પીવા માટે આવતો હતો. પોલીસ સમક્ષ આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે મોડી રાતે એકલી આવતી-જતી સંગીતાને જોઈ બેથી ત્રણ વખત તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો, જોકે સંગીતા તેને ઝપાઝપી કરીને અને પથ્થર મારીને ભગાવી મૂકતી હતી. ગત તા.ર૬ એપ્રિલના રોજ સુરેશે સંગીતા સાથે શારીરિક અડપલાં કરીને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી સંગીતાએ ઉશ્કેરાઈ જઈ સુરેશને લાફો મારી દીધો હતો. ગુસ્સામાં આવીને સુરેશ ત્યાંથી જતો રહ્યો હતો. દરમ્યાનમાં તા.૩૦ એપ્રિલના રોજ મોડી રાતે બ્રિજ નીચે સુરેશે સંગીતાને જોતાં ગુસ્સામાં આવીને માથામાં પથ્થર મારીને તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. માધવપુરા પોલીસે જણાવ્યું હતું કે હત્યા કર્યા બાદ સુરેશ રાજસ્થાન ભાગી ગયો હતો. સુરેશ મૂળ નરોડાનો રહેવાસી છે. બ્રિજની નીચે ચરસી લોકો સાથે ચિલમ પીવા આવતો-જતો અને ત્યાં સૂઈ રહેતો હતો. આરોપી સુરેશ અગાઉ એક લૂંટના કેસમાં ઝડપાઇ ચૂક્યો છે. તેણે જેલમાંથી પેરોલ જમ્પ પણ કરેલ છે. લૂંટ અને મારામારી જેવા અનેક ગુનામાં આરોપી સંડોવાયેલો છે. આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવી પૂછપરછ કરવામાં આવી રહી છે.