(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૩૦
સમા નંદનવન સોસાયટી પાસે અવાવરૂ મકાનમાં દાદર પાસે સગાઇ થયેલી યુવતિનો મૃતદેહ મળી આવ્યો હોવાના બનાવથી અનેક શંકા-કુશંકાના વમળો સર્જાયા છે. બે દિવસથી લાપત્તા યુવતિનો બુધવારની સવારે મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતા ભાવિ પતિ જયેશ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા બાદ બેભાન હાલતમાં ઢળી પડયા હતા. સમા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મરનાર યુવતિ તરૂણા પટેલના મોત ફરતે ગુંથાયેલા રહસ્ય પરથી પડદો ઉચકવા પોલીસે પુછપરછનો દોર શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આપઘાત અથવા તો પછી ઠંડા કલેજે હત્યા કરી યુવતિને લાશને અવાવરૂ મકાનમાં ફંગોળી દઇ અજાણ્યા હત્યારાઓ ફરાર થઇ ગયા હોવાની શકયતાને ધ્યાનમાં રાખી પોલીસે તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો હતો. પોલીસ તપાસનાં અંતે યુવતિનાં મોત પાછળનું સાચુ કારણ સપાટી પર આવશે તેમ મનાય છે.
પ્રાપ્ત માહિતીનુસાર સમા રોડ વ્રજધારા સોસાયટીમાં રહેતાં જયેશ પટેલનાં બે સપ્તાહ પૂર્વે કાલોલ તાલુકા કંડાચ ગામે રહેતી તરૂણા નામની કન્યા સાથે સગાઇ થઇ હતી. બે દિવસ પૂર્વે કન્યા તરૂણા પટેલ ગુમ થઇ હતી. પરિવારજનો દ્વારા વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં કોઇ સગડ મળ્યા નહતા. બુધવારની સવારે સમા રોડ વ્રજધામ સોસાયટી પાસે એક અર્ધ બંધાયેલી ઇમારતનાં દાદર પાસેથી અજાણી યુવતિનો મૃતદેહ મળી આવતા સ્થાનિક રહીશોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ તંત્રને બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. દાદર પાસે યુવતિનો મૃતદેહ પડયો હતો. તેમજ પતિ જયેશ પટેલ પણ બેભાન હાલતમાં ઢળી પડતા પોલીસની મુંઝવણમાં વધારો થયો હતો. યુવતીનાં ફીયાન્સે યુવતિનાં પ્રેમી ચકા સામે હત્યાની શંકા વ્યકત કરી છે.બે સપ્તાહ પૂર્વે સગાઇ થયા બાદ યુવતિનો અચાનક મૃતદેહ મળી આવ્યો હોવાનાં બનાવથી પરિવારજનોનાં માથે આભ તુટી પડ્યું હતું. ઠંડા કલેજે હત્યા કે પછી આપઘાત કરવામાં આવ્યો છે તેવા સવાલો સાથે અનેક શંકા-કુશંકાના વમળો સર્જાયા છે.