(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૭
શહેરના ડિંડોલી વિસ્તારના કરાડવા રોડ ઉપરથી બિનવારસી હાલતમાં મળી આવેલી યુવકની લાશની ઓળખ થઈ જવા પામી છે.મૃત સુજોયનો ભાઇ બે સંતાનોની માતાને લઇને ભાગી ગયો હતો.જેની અદાવત રાખી મહિલાના પતિએ જ સુજોયની હત્યા કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરામાં આવેલા વડોદ ગામના ભગવતી નગરમાં રહેતો સુજોય નરેશ પાસવાનની ગઇ કાલે બપોરે ડિંડોલી કરાડવા રોડ પર શેરડીના ખેતર પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. લાશ પાસે મળી આળેલ આધારકાર્ડના આધારે તેની ઓળખ થઈ હતી. સુજોયનું માથું ધડથી અલગ કરી તેની ક્રુરતાથી હત્યા કરવામાં આવી છે. આ બનાવમાં સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર સુજોય ૧૫ દિવસ પહેલા જ પોતાના વતન બિહારના ઔરંગાબાદથી સુરત આવ્યો હતો અને અહીંયા નાના ભાઇ સોનુ સાથે રહેતો હતો. સોનું પ્રેમ પ્રકરણમાં બે સંતાનની માતાને પતિની ગેરહાજરીમાં ભગાડી ગયો હતો. જો કે, તેનો પતિ બાહરગામથી પરત આવ્યો હતો અને તેને સોનુ તેની પત્નીને ભગાડી લઇ ગયો છે તે બાબતે ખબર પડતા તે એકદમ આવેશમાં આવી ગયો હતો. તેને સુજોયને સોનુ અંગે પુછ્યું હતું જો કે, સુજોય તેને આ બાબતે તેને કઇ ખબર નથી તેવું કહ્યું હતું જેથી અદાવત અને ખુન્નસના કારણે સુજોયને ગમે તે રીતે ડિંડોલીમાં લઇ જઇ તેના પેટના ભાગે ચપ્પુ મારી તથા ગળું કાપી તેની હત્યા કરી હતી.
પરિણીતાને ભગાડી લઇ જવાના કેસમાં ૨૪મીએ પાંડેસરા પોલીસ મથકમાં એનસી ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને ૨૪મીએ રાત્રે જ તેની હત્યા (રી દેવાઇ છે. એક બાજુ સોનુ પરિણીતાને લઇને ફરાર છે બીજી બાજુ તેનો પથિ પણ ગાયબ છે. બંનેના ઘરને તાળા લાગેલા છે. ડિંડોલી પોલીસે પણ ભાગી જનાર પરિણીતાના પતિ ઉપર હત્યાની શંકા વ્યક્ત કરી છે અને તેની શોધખોળ પણ શરૂ કરી છે. વધુમાં મળતી માહિતી અનુસાર નિર્દોષ સુજોયની આ કેસમાં બલી ચઢાવી દેવામાં આવી છે. તેનો નાનો ભાઇ પરિણીતાને લઇ ભાગી ગયો અને પરિણીતાના પતિએ અદાવતમાં સંભવતઃ સુજોયની હત્યા કરી નાંખી છે. વધુમાં પોલીસે મરનાર સુજોયના પિતરાઇ ભાઇ સુરેન્દ્ર પાસવાનનો સંપર્ક કર્યો હતો. કે તેનો નાનો ભાઇ સોનુ પાડોશમાં રહેતી પરિણીતાને લઇને ભાગી ગયો છે. જેની અદાવતમાં પરિણીતાના પતિએ નિર્દોષ સુજોયની હત્યા કરી નાંખી છે. બનાવ અંગે હાલ ડિંડોલી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.