(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
શહેરના રીંગરોડ પર સહારા દરવાજા પાસે નવાબની વાડી સામે આવેલ એનટીએમ માર્કેટના પાછળના ભાગે એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવ અંગેની જાણ થતા સલાબતપુરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. શહેરમાં છેલ્લા એક મહિના દરમિયાન ઉપરાછાપરી હત્યાના બનાવોમાં વધારો થયો છે. એક મહિનામાં આજે આઠમી હત્યા થઈ હોવાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક યુવક હમાલ જેવો દેખાતો હોવાથી પોલીસે માર્કેટ વિસ્તારના અન્ય મજૂરોની પૂછપરછ કરીને મૃતકની ઓળખ કરવાનો પ્રયત્ન કરતા મૃતકનું નામ રાકેશ મોદી હોવાનું જાણવા મળ્યું છે.