(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ટીમ્બરવા ગામ ખાતે ખેતમજૂરના નાનાભાઈને કોઈ બોથર્ડ પદાર્થ વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાના બનાવ બારડોલી પોલીસ મથકેનો઼ધાતા પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચોર્યાસી તાલુકાના સારોલી ગામના જુના હળપતિવાસ બાવડી ફળિયામાં અરવિંદભાઈ ઠુમરભાઈ રાઠોડ રહે છે. તેઓ પોતે ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેમના નાભાઈ સોમા ઉર્ફે લાલુને અજાણ્યા ઈસમે કોઈ બોથર્ડ પદાર્થ વડે માથાના ભાગે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મૃતકના હાથ-પગ બાંધી ગૌચરની જમીન પાસે આવેલ પાણીમાં ડૂબાડી દઈ ફરાર થઈ ગયો હતો. હત્યાની જાણકારી તેમના ભાઈ અરવિંદને કરવામાં આવતા તેમણે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કયા કારણોસર ખેતમજૂરના ભાઈની હત્યા કરવામાં આવી તે જાણવા મળ્યું નથી.