રાજકોટ, તા.૧૯
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મેટોડા પાસે બુધવારે રાત્રે ખાંટ યુવાનની છરીના ૧૧ ઘા ઝીંકી અને બે કલાક બાદ ગોંડલ રોડ ઉપર કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા પરપ્રાંતીય મુસ્લિમ યુવાનને છરીના ૮ ઘા ઝીંકી હત્યા નિપજાવવાના ગુનામાં લોધીકા પોલીસ અને રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે બેવડી હત્યામાં સંડોવાયેલા બંને આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં મૃતકોને એક આરોપીની પ્રેમિકા અને બીજાની સાસુ સાથે અનૈતિક સંબંધ હોવાથી બંનેએ સાથે મળી બે કલાકમાં જ બેવડી હત્યા કરી હતી.
રાતૈયા ગામના સંજય વાગડિયા નામના યુવાનને આરોપી કિશન વાજાની પ્રેમિકા સાથે અનૈતિક સંબંધ હતો આથી કિશને સંજયને અનેકવાર સમજાવ્યો પરંતુ માન્યો ન હતો. આથી કિશને મિત્ર સાગર બગથરીયાની મદથી સંજયને ૧૧ છરીના ઘા મારી પતાવી દીધો હતો. આ હત્યા કર્યા બાદ બે કલાક પછી કોઠારિયા સોલ્વન્ટના મેહશરઅલી પીંજારા નામના યુવાનને સાગરની સાસુ સાથે અનૈતિક સંબંધ હોય બંનેએ મેહશરઅલીને છરીના ૮ ઘા મારી હત્યા કરી હતી. બેવડી હત્યા કર્યા બાદ બંને આરોપી ફરાર હતા પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં બંનેને ઝડપી પાડ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લામાં બે કલાકના સમયગાળા દરમિયાન બે હત્યાઓને અંજામ આપવામાં આવ્યો હતો.