(સંવાદદાતા દ્વારા) વઢવાણ,તા.ર૯
સુરેન્દ્રનગર જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં પણ કાયદો વ્યવસ્થાના જગજાહેરમાં ધજાગરા ઉડી રહ્યા છે. જિલ્લાના ચુડા ગામ ખાતે જાહેરમાં અને વળી પાછા ચુંડાની મામલતદાર કચેરી પાસે જ યુવાનને પ્રેમપ્રકરણના મામલે યુવતીના પતિ દ્વારા જ કરપીણ હત્યા કરવામાં આવેલ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ત્યારે ચુંડા પોલીસ દ્વારા ફરિયાદ લઈને આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ હત્યાના મામલામાં જાણવા મળતી વિગતો અનુસાર ચુંડાના દરબારગઢમાં રહેતો ગૌરાંગ કુમાર વિનયચન્દ્ર શુકલ પીર દાદાની કૃપાના નામે દોરા તાવિજ કરતો હતો. ત્યારે અમદાવાદથી પણ એક દંપતી પીરદાદાના સ્થાનક ઉપર દર્શન-દુવા માટે અવારનવાર આવતા હતા. અમદાવાદથી આવતા દંપતીને ધીરે ધીરે ગૌરાંગ કુમાર સાથે વધુને વધુ ઓળખાણ થતાં ગૌરાંગ કુમાર અમદાવાદથી આવતા દંપતિના પત્ની સાથે આંખ મળી જતા મોહ માયાની જાળમાં આવી ગયેલ હતો. ત્યારે તેના પતિને સમગ્ર મામલાની જાણકારી મળી જતા ગૌરાંગ કુમારને તેના પતિ દ્વારા સુચના આપી પ્રેમ પ્રકરણનો અંત લાવવા જણાવેલ હોવા છતાં પણ પ્રેમ પ્રકરણ ચાલુ જ રાખતા સમાધાન બાબતમાં પ્રેમીકાએ પતિને બોલાવ્યા બાદ આ મામલો ગરમાયો હતો ત્યારે ક્રોધે ભરાયેલ અમદાવાદના દંપતિના પતિએ મામલતદાર કચેરી પાસે છરીના ૮ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.