સંતરામપુર, તા.૧૧
સંતરામપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની આરોપી એક મહિલા પર એલસીબી પો.કો. તથા અન્ય બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. હવે તો મહિલાઓ માટે પોલીસ સ્ટેશન પણ સલામત નથી તે ઉક્ત ઘટના પરથી લાગી રહ્યું છે. સંતરામપુર સબજેલમાં વિશ્વ જેલ ન્યાયીક દિવસની ઉજવણીનો કાર્યક્રમ જેલના કેદીઓ સાથે ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેલ સેશન્સ જજ અને જિલ્લા પોલીસ વડા મહીસાગર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ હત્યાકાંડની આરોપી એક મહિલાએ બેરેકમાંથી તેમની ઉપર થયેલ બળાત્કાર મુદ્દે એક ચિઠ્ઠી જેવું લખાણ જિલ્લા પોલીસ વડા ઉષા-રાડા સુધી પહોંચતા જિલ્લા પોલીસ વડાએ બેરેકમાં રૂબરૂ જઈને કેદીની મુલાકાત લઈને તેણીની રૂબરૂ પૂછપરછ કરીને તેની લેખિત ફરિયાદ લઈને સંતરામપુર પોલીસ ઈન્સ્પેક્ટર આવી એલસીબી પોલીસ આરોપી મનિષ ભૂનેતર વિરૂદ્ધ ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી, જેથી સંતરામપુર પોલીસે પીડિત હત્યાની આરોપીની લેખિત ફરિયાદના આધારે એલસીબી પોલીસ કોન્સ્ટેબલ મનિષ ભૂનેતર અને અન્ય બે સામે ઈપીકો કલમ ૩૭૬ (ડી), ૩૨૬, ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી આ ગંભીર ગુનાની તપાસ બી.એસ. ચૌહાણ નાયબ પોલીસ અધિકારીને સુપ્રત કરી છે. સમગ્ર બનાવની હકીકત એવી છે કે, તા.૨૮/૫/૧૮ના રોજ જિગ્નેશ જેસીંગ પારઘીની હત્યા કરેલી લાશ સરકારી ક્વાર્ટરના ખંડેર હાલતવાળા મકાનમાંથી મળી આવી હતી. આ હત્યાના ગુનામાં મરનાર પિતા જેસીંગભાઈની ફરિયાદના આધારે સંતરામપુર પોલીસમાં ગુનો નોંધાવેલ, તે ગુના સંબંધિત જિલ્લા એલસીબી પોલીસ આ પીડિત મહિલા કેદીને પકડી લાવેલ હતી. આ પીડિત મહિલા કેદીએ તા.૨૯/૫/૧૮ના રોજ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં બપોર પછી કોઈ પણ વખતે આરોપી મનિષ અને અન્ય બે જણાએ ભેગા મળીને ફરિયાદી મહિલાને મારમારીને આરોપી મનિષ અને અન્ય બે જણાએ પીડિત મહિલા પર બળજબરીપૂર્વક બળાત્કાર કરી એક-બીજાની મદદગારી કરી ગુનો કર્યાની હકીકતો જણાવતા તે સંદર્ભે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ છે. હત્યાના આરોપમાં પકડાયેલ મહિલા આરોપી વિરૂદ્ધ પોલીસ કસ્ટડીમાં જ તેને માર મારી તેનો પોલીસવાળા દ્વારા જ રેપ કર્યાના આ બનાવની વિગત પ્રકાશમાં આવતા જિલ્લાનું અને રાજ્યનું પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે અને જ્યાં રક્ષક જ ભક્ષક બને ત્યાં આમ પ્રજાનું શું ??? આ ઘટના સંબંધ ગોધરા રેન્જના આઈજીપી દ્વારા સીટની રચના થતાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.