પટના, તા. ૨૭
નીતિશ કુમારે જ્યારે બિહારના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યંુ ત્યારે રાજદના અધ્યક્ષ લાલુ પ્રસાદે આરોપ લગાવ્યો હતો કે, નીતિશ પોતે હત્યાના આરોપી છેે અને નિર્ણય બદલ કહી તેમની દાનત સામે સવાલો ઉઠાવ્યા હતા. લાલુપ્રસાદે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નીતિશ પોતે જાણે છે કે, હથિયાર રાખવાના કેસમાં આરોપી છે. જેમાં તેમની સામે ૩૦૨ અને ૩૦૭ની કલમો લગાવાઇ છે. તેમણે આ ચૂંટણીની એફિડેવિટ પણ દેખાડી હતી. તેઓ જાણતા હતા કે, જો તેઓ તેજસ્વીને રાજીનામું આપવા કહેશે તો તેમણે પણ રાજીનામું આપી દેવું પડશે.
લાલુ યાદવે જણાવ્યું હતું કે, નીતિશ જાણી ગયા હતા કે, તેઓ હવે આ વમળમાંથી બહાર આવી શકતા નથી તેથી તેઓએ ભાજપ અને આરએસએસ સાથે હાથ મિલાવી લીધા હતા. મેં નીતિશને કહ્યું કે તમે રાજીનામું ન આપો લોકોએ આપણને પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે. ઘણઆ પ્રયત્નો છતાં તેઓ ન માન્યા. આ એજ વ્યક્તિ છે જે એમ કહેતો હતો કે માટીમાં મળી જઇશ પણ ભાજપ સાથે નહીં જોડાવું. લાલુએ નીતિશ પર ભાજપ અને સંઘના ખોળામાંબેસી જવાનો આરોપ લગાવ્યો હતો. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ભાજપ અને આરએસએસ સાથે પહેલાથી જ તેમની ગોઠવણ થઇ ગઇ હતી. વડાપ્રધાને તરત જ તેમને અભિનંદન આપ્યા તે મારી વાતનો પુરાવો છે. મહાગઠબંધનને અસ્થિર કરવા માટે વડાપ્રધાને એક મજબૂત ષડયંત્ર રચ્યું હતું.