(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૬
હળવદ તાલુકાના કોયબા ગામે બે દિવસ પૂર્વે થયેલ હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી હત્યા કરનાર ગામના જ બે શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના કોયબા ગામે રહેતા જીતેન્દ્ર ઉર્ફે નવઘણ ઠાકરશી કોળીને પાણાના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ કોયબા નદીના કોઝવે નજીકથી મળી આવતા ચકચાર ફેલાઈ હતી. જ્યારે બનાવ પગલે હળવદ પી.આઈ. એમ.આર. સોલંકીએ ઝીણવટભરી તપાસ હાથ ધરતા હત્યા બીજા કોઈએ નહીં પરંતુ ગામના અજીત હેમુભાઈ કોળી અને મુકેશ જશમતભાઈ કોળીએ કરી હોવાનું ખુલ્યું છે. આ બનાવમાં આરોપીઓ રાત્રીના સમયે મૃતકને નદી કાંઠે બોલાવી પાણાના ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટયા હતા. હાલ પોલીસ દ્વારા બન્ને આરોપીઓની ધરપકડ કરી પુછપરછ કરાતા મૃતક જીતેન્દ્ર ઉર્ફે નવઘણ ઠાકરશી કોળીએ આરોપી અજીત હેમુ કોળીના પિતા પર કચડી નાખવાના ઈરાદે ટ્રેકટર નાખ્યું હતું. આ બનાવ અંગે આરોપીએ દાઝ રાખી તેના મિત્ર સાથે મળી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. જયારે હાલ પોલીસ દ્વારા બન્ને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.