(એજન્સી) તા.૩૦
સ્પેશિયલ ફોર્સના ફર્સ્ટ પેરા કમાન્ડોમાં સામેલ લેફ્ટનન્ટ કર્નલ ધર્મવીરસિંહ છેલ્લા ૩૨ વર્ષથી સક્રિય રીતે ફરજ બજાવી રહ્યા છે. તેમનો આર્મીની ફરજ દરમિયાનનો રેકોર્ડ જ બતાવે છે કે તેઓ સારો રેકોર્ડ ધરાવતા અધિકારી છે. તેઓ મોટાભાગે અથડામણવાળા વિસ્તારોમાં જ ફરજ બજાવી ચૂક્યા છે. શ્રીલંકામાં અથડામણોમાં પણ તેઓ સામેલ હતા. કારગિલ યુદ્ધમાં પણ તેમની ભૂમિકા હતી. તેઓ મહત્વના પદો પર રહ્યાં છે. મેનહોલમાં પડી જનારા બે લોકોને બચાવવાની કામગીરી માટે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. રેકોર્ડ મુજબ ૨૦૦૯માં એક કાર્યક્રમ પતાવી તે મુંબઈમાંથી અમેરિકી ક્લબ નજીકથી ઘરે જઇ રહ્યા હતા. આ ઘટના કોલબાની છે ત્યારે એક મેનહોલમાં બે સફાઈકર્મી પડી ગયા હતા. ઝેરી ગેસને લીધે બંને બેભાન થઈ ગયા હતા. જોકે હિંમત દાખવતા ધર્મવીરે આ બંને વર્કરોને મેનહોલથી બહાર કાઢી આઈસીયુમાં ભરતી કર્યા હતા. ૧ જુલાઇના રોજ ઈમ્ફાલમાં ધર્મવીરની ધરપકડ કરાઈ હતી. ત્રણ કર્નલના ઈશારે આ ધરપકડ થઈ હતી. હાઈકોર્ટમાં ધર્મવીરની પત્નીએ ૨૦ જુલાઈ ૨૦૧૮ના રોજ સોગંદનામું દાખલ કરી સંભવિત કારણો રજૂ કર્યા હતા કે કેમ તેમના પતિને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. સોગંદનામા અનુસાર ધર્મવીરે આર્મીના અધિકારીઓ વિરુદ્ધ નકલી એન્કાઉન્ટર કરવા અને ખંડણી માગવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટના સપ્ટેમ્બર ૨૦૧૬ની હતી. તેમાં જણાવાયું હતું કે મણિપુરના કેટલાક લોકોને ઉપાડી લેવાયા હતા અને ઠંડે કલેજે તેમની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે તેમ છતાં આર્મીના અધિકારીઓ દ્વારા તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું હતું કે હું મારી ફરિયાદ પાછી લઈ લઉં. મને આશ્વાસન અપાયું કે દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે પણ અમુક વરિષ્ઠ અધિકારીઓ પોતાના નિવેદનથી ફરી ગયા અને તેઓએ મને હેરાનગતિ કરવા અભિયાન શરૂ કરી દીધું.