જામનગર, તા.૧૪
લાલપુરમાં પીપરટોડા ગામના એક વૃદ્ધ પર ચૂંટણીના વેરઝેરના કારણે એક શખ્સે તેઓની હત્યાનો પ્રયાસ કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જ્યારે જૂની તકરારના કારણે પાંચ શખ્સોએ એક યુવાનને લમધારી નાખ્યો છે.
લાલપુર તાલુકાના પીપરટોડા ગામના ઘનશ્યામભાઈ જીવરાજભાઈ ચોવટિયા (ઉ.વ.૬ર) થોડા મહિનાઓ પહેલા યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર બન્યા હતા ત્યારે તેઓને આ જ ગામના પ્રકાશ વસરામ ચોવટિયા સાથે તકરાર થઈ હતી.તે બાબત આટલા મહિનાઓ સુધી ધુંધવાયા પછી જ્યારે ઘનશ્યામભાઈ સમાણા રોડ પરથી પસાર થતા હતા ત્યારે માર્ગમાં પ્રકાશ ચોવટિયાએ રોડ પર પથ્થરોથી અવરોધ કરી ઘનશ્યાભાઈને રોકી લઈ જીવલેણ હુમલો કર્યો હતો. આ વૃદ્ધને મોતને ઘાટ ઉતારવાના ઈરાદાથી પ્રકાશે તેઓના માથામાં પથ્થર ઝીંકયો હતો. ગંભીર ઈજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
જામનગરના વામ્બે આવાસ વિસ્તારમાં રહેતા અબુભાઈ સલીમભાઈ કુરેશીને થોડા દિવસો પહેલા ત્યાં જ રહેતા મુન્ના ગઢવી સહિતના કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી જેનું પાછળથી સમાધાન થવા પામ્યું હતું તેમ છતાં આ બાબતનો ખાર રાખી ગઈકાલે સાંજે જ્યારે આઠ માળિયા આવાસ પાસેથી અબુભાઈ જતાં હતા ત્યારે મોટર તથા બુલેટમાં તલવાર, પાઈપ, મુંઠ સાથે રાખી ધસી આવેલા મુન્ના તથા બાલો ગઢવી, વીપો ગઢવી, લાખો ગઢવી તેમજ ફાયનાન્સનું કામકાજ કરતા એક રબારી શખ્સે હુમલો કર્યો હતો.આ શખ્સોએ અબુભાઈને સારીપેઠે ધમારી નાખી પોબારા ભણી લીધા હતા. સારવારમાં ખસેડાયેલા અબુભાઈએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.