(એજન્સી) નવી દિલ્હી,તા.૨૪
પૅટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પૅટ્રોલ-ડીઝલના વધતા ભાવોની સાથોસાથ શાકભાજીના ભાવ આસામાને પહોંચી ગયા છે. એક તરફ ડુંગળીની કિંમતો આંખમાં આંસુ લાવી રહી છે તો ટામેટાં પણ લોકોના ખિસ્સા ઢીલા કરી રહ્યા છે. માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે, હજુ તહેવારોની સીઝનમાં શાકભાજીના ભાવ વધુ લાલ થઈ શકે છે. હાલના સમયમાં ડુંગળીની કિંમતોમાં પણ તેજીની સાથે વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે રસોડાનું બજેટ બગડી ગયું છે. ડુંગળીની કિંમત ૭૦-૮૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. ભાવ વધારા પહેલા ડુંગળી ૧૫-૨૦ રૂપિયા પ્રતિ કિલો વેચાતી હતી. જથ્થાબંધ વેપારીઓનું માનવું છે કે, ડુંગળીના ભાવોમાં વધુ ભડકો થઈ શકે છે. શાકભાજીના ભાવમાં પહેલાંની સરખામણીમાં ૫૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. વરસાદના કારણે બહારના રાજ્યોમાંથી આવતી શાકભાજી પલળી જતાં ખરાબ થઈ જાય છે. જેના કારણે શાકભાજીની અછત વર્તાઈ છે. બીજીતરફ ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી પણ લોકોને રડાવી રહી છે. કર્ણાટક, આંધ્રમાં વરસાદથી તહેવારોની મોસમમાં જ ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. વરસાદના કારણે ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો છે અને રાજ્યભરની શાકમાર્કેટમાં આવક ઘટી છે. પરિણામે ડુંગળીના ભાવ વધી ગયા છે. મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ વરસાદના કારણે ડુંગળી બગડી ગઈ છે. ઓઈલના ભાવોમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી તેજીનો ક્રમ આજે પણ યથાવત રહ્યો. ભારતીય બજારમાં સતત આઠમા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં તેજી આવી. આજે સવારે પેટ્રોલના ભાવમાં ૨૨ પૈસા પ્રતિ લીટરની તેજી સાથે પેટ્રોલ ૭૪.૧૩ રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૧૪ પૈસા પ્રતિ લીટરની તેજી સાથે ૬૭.૦૭ રુપિયાના સ્તર પર પહોંચી ગયું. દિલ્હીમાં મંગળવારના રોજ ૭૪.૧૩ રુપિયાના સ્તર પર પહોંચવાની સાથે જ પેટ્રોલે ૧૦ મહિનાનો રેકોર્ડ તોડી દીધો છે. આ પહેલા નવેમ્બર ૨૦૧૮ ના રોજ દિલ્હીમાં પેટ્રોલ ૭૪ રુપિયાના સ્તર પર વહેંચાયું હતું. છેલ્લા ૮ દિવસમાં જ પેટ્રોલના ભાવમાં ૨ રુપિયા પ્રતિ લીટરથી વધારે અને ડીઝલમાં ૧.૫૪ રુપિયા પ્રતિ લીટરની તેજી આવી ચૂકી છે. આ પહેલા સોમવારના રોજ પેટ્રોલમાં ૨૯ પૈસા અને ડીઝલમાં ૧૯ પૈસા પ્રતિ લીટરની તેજી આવી હતી. અમદાવાદમાં પૅટ્રોલ ૭૧.૫૩ પ્રતિ લીટર છે જે ૧૦ દિવસ પહેલા ૧૫ સપ્ટેમ્બરે ૬૯.૫૧ રૂપિયા પ્રતિ લીટર હતો. તેથી ૧૦ દિવસમાં પૅટ્રોલના ભાવમાં ૨.૦૩ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. બીજી તરફ, ડીઝલનો ભાવ ૭૦.૨૭ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. ૧૫ સપ્ટેમ્બરે અમદાવાદમાં ડીઝલનો ભાવ ૬૮.૫૮ રૂપિયા પ્રતિ લીટર હતો જે ૧૦ દિવસમાં ૧.૬૯ રૂપિયા પ્રતિ લીટર વધી ગયો છે. પૅટ્રોલ-ડીઝલના રોજેરોજ વધી રહેલા ભાવોને કારણે લોકોને એવો પણ ડર છે કે બંનેના ભાવ વધીને ૮૫-૯૦ રૂપિયાની આસપાસ ન પહોંચી જાય. પૅટ્રોલ-ડીઝલ અને શાકભાજીમાં આગ ઝરતી તેજીના કારણે નવરાત્રી અને ત્યારબાદ દિવાળીની ઉજવણી પર અસર પડી શકે છે. મંદીના મારમાંથી બહાર ન આવી શકેલી જનતા માટે મોંઘવારીના મારથી તહેવારો ફિક્કા જવાના અણસાર લાગી રહ્યા છે.

બોલો..બિહારમાં ગોડાઉનમાંથી
૮ લાખથી વધુની ડુંગળીની ચોરી
દેશભરમાં ડુંગળીની સતત વધી રહેલી કિંમતો વચ્ચે બિહારમાં લાખો રૂપિયાની ડુંગળીની ચોરીની ઘટના સામે આવી છે. પટણાના સોનારુ વિસ્તારમાં આવેલા એક ડુંગળીના ગોડાઉનમાં ચોરોએ ખાતર પાડ્યું અને ડુંગળીની ૩૨૮ બોરીની ચોરી કરી ફરાર થઇ ગયા. ચોરી થયેલી ડુંગળીની કિંમત ૮.૫ લાખ રૂપિયા આંકવામાં આવી છે. સોમવારે મોડી રાત્રે ચોરીની આ ઘટના બની. ડુંગળીનું આ ગોડાઉન સુમસામ વિસ્તારમાં આવેલું છે. જેના કારણે ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. મધરાત્રે ત્રાટકેલા ચોરોએ ડુંગળીની બોરીની ચોરી કરી અને તેને ટ્રકમાં લઇને ફરાર થઇ ગયા. ગોડાઉન માલિકે આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

રસોઈમાં મહત્વ ધરાવતી ડુંગળીના ભાવોએ લોકોને રડાવતાં બિહાર પછી નાસિકમાં પણ રૂા.૧ લાખ કિંમતની ડુંગળી ચોરાઈ

દેશમાં એકતરફ ડુંગળીના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે હવે સોનાને બદલે ડુંગળીની ચોરી થવાની ફરિયાદો પણ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના એક ખેડૂતે પોતાની એક લાખની કિંમતની ડુંગળી ચોરાઈ ગઈ હોવાની પોલીસમાં ફરિયાદ કરી છે. કેટલાક અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને તપાસની કાર્યવાહી હાથ ધરી છે. કાલવન તાકુલાના પોલીસ ઈન્સ્પેક્ટર પ્રમોદ વાઘે જણાવ્યા મુજબ ખેડૂત રાહુલ બાજીરાવ પગારે ઉનાળુ પાક.નો સંગ્રહ એક સ્ટોર હાઉસમાં કર્યો હતો. અંદાજે ૧૧૭ પ્લાસ્ટિક કેરેટમાં ૨૫ ટન ડુંગળીનો સંગ્રહ ખેડૂતે કર્યો હતો. રવિવારે સાંજે જ્યારે તે સ્ટોર હાઉસ ખાતે ગયો ત્યારે એક લાખની કિંમતની ડુંગળીનો સ્ટોક ગાયબ થઈ ગયો હતો. આ બાબતે પોલીસે ખેડૂતની વિગતોને આધારે ફરિયાદ નોંધી છે. પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને આસપાસના સ્થાનિક બજારમાં તેમજ ગુજરાત સુધી તપાસનું પગેરું લંબાવ્યું છે. ઉનાળુ ડુંગળીના જથ્થાની એપીએમસી ખાતે રૂ. ૩,૫૦૦-૫,૦૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે હરાજી થતી હોય છે.

લ્યો કરો વાત…!! દેશમાં ડુંગળીની અછત બિલકુલ નથી : પાસવાન
સતત વધી રહેલા ડુંગળીના ભાવને કારણે આમ આદમી માટે ડુંગળી ખરીદવી પણ મુશ્કેલ બની છે. ત્યારે સરકારે હૈયાધારણા આપી છે કે દેશમાં ડુંગળીની અછત બિલકુલ નથી. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું કે દેશમાં ૩૫ હજાર ટન ડુંગળી બફર સ્ટોકમાં હાજર છે. તેમણે કહ્યું કે હાલમાં પૂરની પરિસ્થિતિને કારણે ડુંગળી લાવવા અને લઇ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જો કે આ સ્થિતિ દર વર્ષની હોવાનું તેમણે જણાવ્યું. પાસવાને કહ્યું કે સરકાર ખેડૂતો અને ગ્રાહકો એમ બંનેનું પૂરતું ધ્યાન રાખે છે. જો કોઇ ડુંગળીનો સંગ્રહ કરતું હોવાનું સરકારના ધ્યાને આવશે તો તેવા સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.