(એજન્સી) નવી દિલ્હી, તા.રર
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે મુસાફરો માટે એક પેસેન્જર ચાર્ટરની યોજના બનાવી લોકો સમક્ષ વિચારવિમર્શ માટે મૂકી છે. જેમાં ટિકિટ કેન્સલ ફી, વળતર અને વાઈફાઈ સુવિધાઓને લગતા મુદ્દાઓ આવરી લેવાયા છે. ઉડ્ડયન મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી જયંત સિંહાએ આ સુધારાઓને એર સેવા માટે જાહેર કર્યા હતા. તેમણે કહ્યું કે આ સુધારાઓ પર તમામ પક્ષોની રાય મંગાઈ છે. બે મહિનામાં આ પ્રસ્તાવો લાગુ કરવાનો ઈરાદો છે જેથી ફલાઈટ રદ થતાં મુસાફરોને તકલીફ નહીં પડે. જયંત સિંહાએ કહ્યું કે બુકિંગ પછી ર૪ કલાકમાં ટિકિટ કેન્સલ કરાય તો કોઈ કેન્સલેશન ચાર્જ નહીં લેવાય. સમય સીમામાં ટિકિટમાં ફેરફાર મફત કરાવી શકાશે. જેથી મુસાફરોના અધિકારો વધશે. તેમજ એરલાઈન્સની મનમાની ખતમ થશે. યાત્રા સમયથી ૯૬ કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવવાથી કોઈ ચાર્જ નહીં લાગે. કેન્સલેશન ચાર્જ મૂળ ભાડા અને ફ્યુઅલ ચાર્જીસના કુલ યોગથી વધુ વધુ નહીં હોય. ફલાઈટ ૪ કલાક મોડી પડે તો ટિકિટ કેન્સલ કરાવનાર મુસાફરોને ભાડુ પરત મળશે. એરલાઈન્સની ભૂલથી ફલાઈટ મોડી પડે તો મુસાફરોને તેનું વળતર આપવું પડશે. ૧ દિવસ ફલાઈટ લેટ થાય તો મુસાફરોને હોટલમાં રહેવા-ખાવાની એરલાઈન્સે મફત સુવિધા આપવી પડશે તેમજ કનેકટીંગ ફલાઈટ મુસાફર ચૂકી જાય તો એરલાઈન્સે નુકસાન ભરપાઈ કરવું પડશે.
• બુકિંગ પછીના ર૪ કલાકમાં ટિકિટ કેન્સલ કરાવી શકાશે.
• મુસાફરોની ખાસ જરૂરિયાતનું પ્રયોજન
• એરલાઈન્સની કોઈ ભૂલ હશે તો વળતર અપાશે
• ડીજી યાત્રા માટે આધાર ફરજિયાત નહીં
• વિમાન મોડું પડે તો મુસાફરોને વળતર
• ભારતીય અવકાશમાં ઉડતા વિમાનોમાં મોબાઈલ-ઈન્ટરનેટ સુવિધા અપાશે.