અમદાવાદ, તા.૨૧
ઉનાળાની અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત છે અને ખેડૂતો વાવણી માટે વરસાદની મીટ માંડીને બેઠા છે ત્યારે ખેડૂતોને ખુશીના સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસાની આગાહી કરવામાં આવી છે. જેમાં ચોમાસુ ૧પમી જૂને બેસશે તેમ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, કેરળમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતા ત્રણ દિવસ વહેલુ એટલે કે, ર૯મી મેના રોજ બેસશે ત્યારે સામાન્ય રીતે તે બીજી જૂને બેસતું હોય છે ત્યારે ગુજરાતમાં ૧પમી જૂનથી સમયસર ચોમાસાની શરૂઆત થશે. હાલમાં અરબી સમુદ્રમાં વરસાદની પ્રીમોન્સન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છેે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન અને વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે ત્યારે આગામી ૪૮ કલાકમાં વાવાઝોડું સક્રિય બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે માછીમારોને મધદરિયે માછીમારી કરવા જવાની મનાઈ કરવામાં આવી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસમાં રાજ્યભરમાં ગરમીનો પારો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.