(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧પ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રવિવારે સાંજથી રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક સ્થળોએ માવઠું પડતા ઘઉ,કેરી, તમાકુ સહિતના પાકને નુકસાન થવાની શકયતા છે. આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન પલટાયું હતું. જયારે કચ્છમાં તો ભારે પવન ફુંકાતા મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.
રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે, અને કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ થયો છે હોવાના અહેવાલો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રવિવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે રાતે નર્મદાના સાગબારા અને ડાંગ-વધઈ તાલુકામાં અનેક જગ્યાએ માવઠું થયું હતું. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. જેને ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક વાદળો છવાયાં છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ૧૬ એપ્રિલ સુધી રાજ્યમાં આ અસર જોવા મળશે. ઉકળાટ અને બફારા પછી અચાનક વરસાદ પડતા એકબાજુ લોકોએ હાસકારો અનુભવાયો હતો, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ગાંધીધામ ભૂજ કંડલા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વાવાઝોડા જેવો પવન ફૂંકાવા લાગ્યો છે. કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું છે, જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં સવારથી જ વાદળા સાથે ધૂળિયું વાતાવરણ છવાઈ ગયું છે. જેના લીધે ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હોય તેવી સ્થિતિ જોવા મળે છે. સોમવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કચ્છમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. જેના કારણે અરબી સમુદ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેની અસરથી ગાંધીધામ, કંડલા, ભૂજ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરીને માછીમારોને દરિયો ખેડવા નહીં જવા સૂચના આપી છે. જામનગરમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે ૮ વાગ્યાથી જ પવનની ગતિ વધવા લાગી હતી. સુસવાટા મારતા તેજીલા વાયરાઓ ફૂંકાયા હતાં.
ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ માવઠું પડતા તમાકુને નુકસાન થવાની ભીતિ છે. ઉપરાંત પાટણ, બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ધૂળિયું વાતાવરણ છવાતા લોકો હેરાન પરેશાન થયા હતા. ડીસા તાલુકામાં પણ કેટલાક ઠેકાણે વરસાદના છાંટા પડતા ઠંડક પ્રસરી ગઈ હતી. મધ્ય ગુજરાતના સાણંદ પંથકની આસપાસના વિસ્તારમાં કમોસમી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

કચ્છના દરિયામાં બાર્જ ડૂબ્યું; સાત ક્રૂ મેમ્બરને બચાવાયા : ૧ લાપતા
ભુજ, કચ્છમાં આજે વહેલી પરોઢથી તેજ ગતિ ફુંકાતા પવનથી સમગ્ર કચ્છમાં વાતાવરણ ધુંધળુ બન્યું હતું. પવનના કારણે ઠેરઠેર ધૂળની મડરીઓના કારણે વાતાવરણ ધુળિયુ બની ગયું હતું. ગાંધીધામ, અંજાર શહેરમાં એક-બે જગ્યાએ વીજ થાંભલા પડી જવાના બનાવ પણ બન્યા હતા. બાગાયત ખેતીવાડીમાં પણ નુકસાન જોવા મળ્યું હતું. પવનના કારણે કચ્છનો દરિયો પણ તોફાની બન્યો હતો. કચ્છના જખૌના દરિયામાં એક બાર્જ પણ ડૂબી ગયું હોવાની ઘટના બની હતી. જેમાં સાત ક્રૂ મેમ્બર્સને જખૌ કોસ્ટગાર્ડ દ્વારા બચાવી લેવાયા છે. જો કે હજુ ૧ ક્રૂ મેમ્બર્સ લાપતા છે જેની શોધખોળ ચાલુ છે.