(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૪
અખિલ ભારતીય ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ડીઝલના ભાવ અને ટોલટેક્ષ સહિત વિવિધ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે પાંચમો દિવસ છે. સુરત ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા ગતરોજ ભજિયા તળીને વિરોધ નોંધાવ્યા બાદ આજે સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. સુરત ટેક્ષટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિયેશનના પ્રમખુ યુવરાજ દેસલેના જણાવ્યા અનુસાર ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળને આજે પાંચમો દિવસે ટ્રાન્સપોર્ટરોની હડતાળની સૌથી વધુ અસર શહેરના ટેક્ષટાઈલ ઉદ્યોગ પર થઈ છે રોજનો કરોડો રૂપિયાનો વ્યવહાર અટકી પડયો છે. શહેરમાંથી બહાર ગામ જતા સાડીઓ ડ્રેસ મટીરીયલના પાર્સલોના માર્કેટો ખડકલો થયો છે. માર્કેટમાંથી ટ્રાન્સપોર્ટ ગોડાઉન સુધી પાર્સલો લાવનારા ટેમ્પો ચાલકો અને મજૂરોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. માર્કેટોના કારીગરો નવરા પડયા છે. સરકારને સદબુદ્ધિ મળે અને ટ્રાન્સપોર્ટરોની હડતાળ અંગે કોઈ યોગ્ય નિર્ણય લે તે માટે આજે ભાઠેના ખાતે હવન-યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ ટ્રાન્સપોર્ટરો ટ્રકના ચાલકો ક્લિનરો અને મજૂરો દ્વારા ભજીયા તળીને વિરોધ નોંધાવ્યા બાદ આજે હવન યજ્ઞ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સરકારને સદ્બુદ્ધિ મળે તે માટે સુરત ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા હવન

Recent Comments