ભાવનગર,તા.ર૭
ગુજરાત ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચ દ્વારા આજે તા.ર૭ને બુધવારે ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે જનાદેશ મહાસભા યોજાઈ હતી. આ સભામાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના ઓએસએસ એકતા મંચના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સભાને સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે સરકાર પાસે ન્યાય મેળવવા જુદા જુદા મુદ્દાઓની માગણીઓ કરવામાં આવી છે. જો સમાજને અન્યાય થશે તો લડી લેવાશે તેવો હૂંકાર અલ્પેશ ઠાકોરે કર્યો હતો અને જણાવ્યું હતું કે આગામી ૯મી તારીખે ગાંધીનગર ખાતે જનાદેશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે પ લાખથી વધુ લોકો ઉમટી પડશે અને પ૦ હજારથી વધુ ઢોલનગારા વગાડી ન્યાય મેળવવાની વાત કરાશે. હું અલ્પેશ ઠાકોર જનાદેશ મેળવવા ગુજરાતના જુદા જુદા શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યો છું. જેના ભાગરૂપે આજે ભાવનગર આવ્યો છું. મને ભાજપ કે કોંગ્રેસ સાથે પ્રેમ નથી મને તો મારા ગરીબો, પછાતવર્ગની સાથે પ્રેમ છે. ગરીબોને છેતરવામાં આવે છે. હવે આ ગરીબો પણ કોઈ ધર્મના નામે લડાઈ ઝઘડો નહીં કરે અને ખોટી રીતે છેતરાશો પણ નહીં. મને કોઈ રૂપિયાની તાકાતથી નહીં ખરીદી શકે કોઈથી હું ડરતો નથી જરૂર પડે તો હું શહીદ થવા પણ તૈયાર છું. જે સરકાર દારૂબંધીનો અમલ ન કરાવી શકતી હોય અને લોકોના પ્રશ્નોને વાચા આપી શકતી ન હોય તેવી સરકારની સત્તામાં કે ખુરશીમાં તાકાત ન હોય, પાવર ન હોય, તેવી સરકારને હું લાત મારું છું. હવે ધર્મના નામે લડાઈ નહીં થાય, તમામ જ્ઞાતિ અને જાતિને પ્રેમથી જીતી લોકોની સરકાર બનાવવી છે. અલ્પેશ ઠાકોરે હસતા હસતા તેમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ કહે છે કે ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી કહે છે કે વિકાસ હજુ પણ વધુ ગાંડો બનશે. પરંતુ મારે તો કહેવું છે કે આટલા વર્ષોમાં હજુ ગુજરાતમાં વિકાસનો જન્મ જ થયો નથી તેનું શું.