(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૧
દેશમાં સમાન વિચારધારાના રાજકીય પક્ષોના મહાગઠબંધનથી મોદી સરકારમાં ડરનો માહોલ પેદા થયો છે. પહેલાં આ લોકો કહેતા હતા કે તેમને કોઈ હરાવી શકે તેમ નથી પરંતુ હવે તેઓ ડરના માર્યા કહેવા લાગ્યા છે કે જો અમે હારીશું તો ર૦૦ વર્ષ સુધી સત્તામાં આવી શકીએ તેમ નથી. આ જ વાક્યથી જણાય છે કે મોદી સરકારને સત્તા ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. કારણ એ જ કે તેઓએ માત્ર વાયદાઓ જ કર્યા છે, કોઈ કામ કર્યા નથી. એમ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું. અમદાવાદના શાહીબાગ ખાતે શાહજહાંના મહેલમાં આયોજિત પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારીમાં અહમદ પટેલે આવનારી લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. અહમદ પટેલે ભાજપ પર આરોપ મૂક્યો કે, જ્યાં તેમની સરકાર નથી હોતી ત્યાં કોઈ પણ રીતે તેને તોડવાનો પ્રયાસ કરે છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર તોડવા માટે ગુજરાતના એક વેપારી કોથળો ભરીને રૂપિયા લઈને મુંબઈ ગયા હતા. પરંતુ લોકશાહીથી રચાયેલી સરકાર તોડવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે. અહમદ પટેલે ભાજપ પર હુમલો કરતાં કહ્યું કે, વાઇબ્રન્ટથી ગુજરાતને શું ફાયદો થયો તે સરકારે કહેવું જોઈએ. વાયબ્રન્ટ ગુજરાતમાં કેટલું રોકાણ થયું તેના પર ભાજપ સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. આ કારોબારી બેઠકમાં ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. ૯મી વાઇબ્રન્ટ સમિટમાં અમેરિકા અને યૂકે કેમ ન આવ્યું તે વાતની નવાઈ છે. કેટલું રોકાણ આવ્યું અને શું ફાયદો થયો એ ક્યાંય દેખાતું નથી. કેટલા કરાર થયા છે તે સરકારે બહાર પાડવું જોઈએ. ગુજરાતની રૂપાણી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર સામે હુમલો કરતાં અહમદ પટેલે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યનું દેવું વધી ગયું છે. ૮૦ લાખ કરોડ કેન્દ્રનું દેવું છે જ્યારે ૨થી ૩ લાખ કરોડ ગુજરાતનું દેવું થઈ ગયું છે.મહાગઠબંધન પર પીએમ મોદીના નિવેદનને લઈ અહેમદ પટેલે કહ્યું કે, મહાગઠબંધન પર પીએમ મોદીએ બોલવાનું શરૂ કર્યું એટલે કહી શકાય કે તેમને ડર લાગી રહ્યો છે. ભાજપ સરકાર દાવો કરતી હતી કે ૫૦ વર્ષ સુધી અમે રાજ કરીશું હવે કહી રહ્યા છે કે જો અમે હારીશું તો ૨૦૦ વર્ષ સુધી પણ સત્તામાં નહીં આવી શકીએ. રામ મંદિર બનાવવા બાબતે કોર્ટનો જે હુકમ હશે તે અમને ગ્રાહ્ય રહેશે તેમ કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલે જણાવીને કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતાં વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૫ વર્ષમાં દેશની જે હાલત થઈ છે તેનાથી રાજકીયપક્ષો અને પ્રજા ચિંતિત છે. દેશ બરબાદ થઈ રહ્યો છે. તેમજ દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે પોતાની પબ્લિસિટી માટે લગભગ રૂ. ૮૨ લાખ કરોડનો ખર્ચ કર્યો છે. દેશમાં પરિવર્તનનો પવન ફુંકાઈ રહ્યો છે. જેનો ફાયદો કોંગ્રેસને થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસે દેશ માટે અનેક બલિદાન આપ્યા છે. દેશની સમૃદ્ધિ પાછળ કોંગ્રેસનો હાથ છે. પરંતુ ભાજપે દેશને રપ વર્ષ પાછળ ધકેલી દીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ વિસ્તૃત કારોબારીમાં સાંસદ અહમદભાઈ પટેલ, એ.આઈ.સી.સી.ના પ્રભારી તથા ગુજરાતના ઈન્ચાર્જ રાજીવ સાતવ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રી, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ, બિશ્વરંજન મોહંતી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ સહિતના મહાનુભાવોએ સંબોધન કર્યું હતું.

રાજ્ય અને દેશમાં RSSની વિચારધારા ધરાવતી સરકાર : પ્રમુખ અમિત ચાવડા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૧
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે, રાજ્ય અને દેશમાં ઇજીજીની વિચારધારાની સરકાર છે. સરકારમાં પ્રજાનું ભવિષ્ય ધૂંધળુ બન્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ સ્વીકારવુ જોઈએ કે, તેમની સરકાર ભ્રષ્ટાચારી છે. ત્યાર બાદ તેમણે લોકસભાની ચૂંટણી વિશે પ્રતિક્રિયા આપી હતી કે, માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ‘ખાટલા સભા’, ‘ચૌરે પે ચર્ચા’ જેવા કાર્યક્રમો કરાશે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર કરવા આવશે. રાહુલ ગાંધી ૪ ઝોનમાં ૪ સભાઓ સંબોધશે.

ભાજપ માત્ર ઈવેન્ટ મેનેજમેન્ટમાં જ માહિર : પ્રભારી રાજીવ સાતવ

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૧
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાત સંગઠન પ્રભારી રાજીવ સાતવે વિસ્તૃત કારોબારીમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આર્થિક મોરચે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. આદિવાસી સમાજની જમીન સરકાર લઈ રહી છે. મહાગઠબંધન પર પીએમ મોદીએ બોલવાનું શરૂ કર્યું એટલે કહી શકાય કે તેમને ડર લાગી રહ્યો છે. દેશમાં આર્થિક સ્થિતિ ખરાબ છે. ભાજપ માત્ર ઈવેન્ટ મેનેજમેન્ટમાં માહિર છે. હમણાં એક એવોર્ડ અપાયો છે તે સૌને ખબર છે.

ભાજપ શાસનમાં ખેડૂતોની સ્થિતિ દયનીય, પાણી વીજ જોડાણ મળતાં નથી : ધાનાણી

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે પાંચ લાખ ફિક્સ પગારદારોના હિતમાં તાકીદે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચી લેવી જોઈએ. ભાજપ શાસનમાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. સિંચાઈનું પાણી, વીજ જોડાણ મળતા નથી. ખેડૂતોના આત્મહત્યાના બનાવો દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપના મળતિયાઓએ ચાર હજાર કરોડ રૂપિયાનું મગફળી કૌભાંડ કર્યું છે. ગુજરાતમાં પોલીસ તંત્રનો રાજકીય હાથો બનાવી ઉપયોગમાં લેવામાં આવે છે. ગુજરાત મહિલાઓ માટે અસલામત બની ગયું છે. દલિતો અને આદિવાસીઓ સાથે સરકાર મજાક કરી રહી છે.