અમદાવાદ,તા. ૨૧
રાજયમાં ગંભીર રીતે બેકાબૂ બનેલી સ્વાઇન ફલુની પરિસ્થિતિને લઇ રાજકોટમાં લોકમેળાઓ પર પ્રતિબંધ ફરમાવતાં રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને લોકમેળાઓ પરના પ્રતિબંધને ઉઠાવી લેવા માંગણી કરવામાં આવી હતી. જો કે, ગુજરાત હાઇકોર્ટે સ્વાઇન ફલુની મહામારીની વકરતી પરિસ્થિતિ અને તેની ગંભીરતાને ધ્યાનમાં લઇ અરજદારપક્ષને રાહત આપવાનો અને રાજકોટ પોલીસ કમિશનરના લોકમેળાઓ પર પ્રતિબંધ ફરમાવતા નિર્ણય સામે સ્ટે આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. અરજદારપક્ષ તરફથી રિટ અરજીમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં એક વિવાદિત નિર્ણય મારફતે કોઇપણ લોકમેળાઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે અને તે અંગેનું જાહેરનામું પણ જારી કર્યું છે પરંતુ રાજકોટ પોલીસ કમિશનરના આ જાહેરનામાથી લોકોની સ્વતંત્રતા, બંધારણીય અધિકાર અને મૂળભૂત હક્કોનો ભંગ થાય છે. આ પ્રકારે લોકોના અધિકાર અને હક્કો પર તરાપ મારવાની તેમને સત્તા નથી. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલ નિર્ણય બંધારણીય જોગવાઇઓના ભંગ સમાન અને ગેરકાયદે હોવાથી તેને હાઇકોર્ટે રદબાતલ જાહેર કરવું જોઇએ અને લોકમેળાની પરવાનગી આપવી જોઇએ. જો કે, હાઇકોર્ટે સ્વાઇન ફલુુની રાજયભરમાં વકરતી જતી પરિસ્થિતિ અને તેના વધુ ફેલાવાને અટકાવવા સહિતના પાસાઓને ધ્યાનમાં લઇ રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામા સામે સ્ટે આપ્યો હતો અને લોકમેળાઓ પરના પ્રતિબંધને યથાવત્‌ રાખ્યો હતો.