(એજન્સી) રામપુર, તા.ર૮
લોકસભા ચૂંટણી નજીક આવતા જ નેતાઓ એકબીજા સામે આક્ષેપો અને કોમેન્ટ કરવામાં હદ વટાવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા ફિરોઝ ખાને પણ આમ જ કર્યું છે. તેમણે બોલિવૂડની એક સમયની અભિનેત્રી જયાપ્રદા પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જયાપ્રદા ભાજપમાં સાથે જોડાઈ જતાં ફિરોઝ ખાને કોમેન્ટ કરી હતી કે જયાપ્રદા રામપુરમાં આવશે પછી અહીંનું વાતાવરણ ‘રંગીન’ થઈ જશે. તેમણે કહ્યું હતું કે ‘એક દિવસ હું બસમાં મુસાફરી કરી રહ્યો હતો અને ટ્રાફિક જામ થઈ ગયો. જયાપ્રદાની ગાડી પણ આ જામમાં ફસાઈ ગઈ હતી. મને તો લાગ્યું કે ક્યાંક આ ટ્રાફિક જામ હટાવવા માટે જયાપ્રદા રસ્તા પર નાચવા ન લાગે.’ ફિરોઝ ખાન આટલું કહીને અટક્યા નહીં અને આગળ વધાર્યું કે હવે તો રામપુરની સાંજ પણ રંગીન થઈ જવાની છે. ચૂંટણીનું વાતાવરણ રચાશે ત્યારે લોકો મત તો આઝમખાનને જ આપશે પણ હા, મજા તો જરૂરથી લૂંટશે.
ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી સંઘમિત્રા મૌર્ય પર પ્રહાર કરતા ફિરોઝ ખાને કહ્યું કે, ‘કોઈ પોતાની જાતને ગુંડી કહે કે નાચવાવાળી કહે, આપણે આને શું કહીશું ? અમે કંઈ તેને કેરેક્ટર સર્ટિફિકેટ તો આપ્યું નથી.’ આ નિવેદન પર ફિરોઝ ખાનનો ઈશારો સંઘમિત્રાએ તાજેતરમાં જ એક વિવાદાસ્પદ નિવેદન પર હતો જેમાં તેમણે કહ્યું હતું કે, ‘જો મારી સાથે કોઈ ગુંડાગર્દી કરવા આવશે તો હું એ ગુંડાઓ કરતા પણ મોટી ગુંડી બની જઈશ.’