(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
ગેરકાયદેસર વેપાર અને કાળાબજારીને રોકવા માટે હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રથમ વાર ૨૦૦ રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવશે. આજે નાણાં મંત્રાલયે પણ તેના માટે સૂચના બહાર પાડી છે. સપ્ટેમ્બરના પહેલાં સપ્તાહમાં બજારમાં આ નવી ચલણી નોટ બહાર આવી શકે છે. આ પહેલાં ૧૮ ઓગસ્ટે આર.બી.આઈ. દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ ૫૦ રૂપિયાની એક નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે, જેમાં આગળના ભાગે મહાત્મા ગાંધી અને નોટની પાછળના ભાગે હમ્પીના રથની આકૃતિ છાપવામાં આવશે. જો કે, હાલમાં ચલણમાં રહેલી ૫૦ રૂપિયાની નોટ ભવિષ્યમાં પણ ચલણમાં રહેશે. આર.બી.આઈ.ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, હાલ ભારતીય ચલણી નોટોમાં રૂપિયા ૧૦૦ અને ૫૦૦ની નોટની વચ્ચે કોઈ પણ નોટ ઉપલબ્ધ નથી. એટલા માટે લોકો આ નવી ચલણી નોટનો વધુ ઉપયોગ કરી શકશે. નાના ખર્ચાઓમાં આ નોટનો ઉપયોગ વધુ થશે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નોટબંધી બાદ ઘણાં એવા કિસ્સાઓ સામે આવ્યાં, જેમાં રૂપિયા ૨૦૦૦ની નોટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થતો હોવાનું માલૂમ થયું. આર.બી.આઈ. દ્વારા આ નવી નોટ બહાર પાડવાનું કારણ એટલું જ છે કે તેનાથી નકલી નોટો પર લગામ કસી શકાય. ૨૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડવાથી બે ફાયદા થશે. પહેલો રોકડ લેવડ-દેવડમાં સરળતા રહેશે અને બીજો કુલ ચલણી નોટોમાં નાની નોટોની સંખ્યામાં પણ વધારો થશે.