(એજન્સી) લખનૌ, તા.૧
મોદી શાસનમાં વધુ એક પત્રકારની હત્યા કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં ગુરૂવારે વધુ એક પત્રકારને જાન ગુમાવવાનો વારો આવ્યો હતો. અજાણ્યા બાઈક ચાલકોએ પત્રકાર પર ગોળીઓ વરસાવી હતી. નવેમ્બર માસમાં પત્રકારની હત્યાનો આ બીજો બનાવ છે. બીજી તરફ નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યૂરોના ર૦૧૬ના આંકડા જારી કરાયા હતા. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં સૌથી વધુ હત્યાઓ અને ગુના નોંધાયા છે. રાજ્યમાં ગતવર્ષે હત્યાના સૌથી વધુ ૪,૮૮૯ કેસ નોંધાયા હતા. જે ૧૬.૧ ટકા છે. ત્યારબાદ બિહારનો નંબર આવે છે જ્યાં ર,પ૮૧ હત્યા થઈ છે. જે ૮.૪ ટકા છે. વર્ષ ર૦૧૬માં મહિલાઓ વિરૂદ્ધ અપરાધના કુલ કેસોમાં ઉત્તરપ્રદેશમાં ૪૯,ર૬ર મામલા નોંધાયા હતા. જે ૧૪.પ ટકા છે. દેશમાં બળાત્કારની ઘટનાઓમાં વર્ષ ર૦૧પના ૩૪,૬પ૧ કેસોની સરખામણીમાં વર્ષ ર૦૧૬માં ૧ર.૪ ટકાનો વધારો થયો હતો. જે આંકડો વધીને ૩૮,૯૪૭ થયો હતો. એનસીઆરબીના આંકડા મુજબ ગતવર્ષે મધ્યપ્રદેશમાં સૌથી વધુ બળાત્કારના ૪,૮૮ર કેસ નોંધાયા હતા. જે ૧ર.પ ટકા છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશનો નંબર આવે છે. ઉત્તરપ્રદેશમાં બળાત્કારની ૪,૮૧૬ ઘટનાઓ નોંધાઈ હતી. ત્યારબાદ મહારાષ્ટ્રનો નંબર આવે છે જ્યાં ૪,૧૮૯ કેસ નોંધાયા હતા. ગતવર્ષે દેશમાં વિવિધ ગુના હેઠળ કુલ ૩૭,૩૭,૮૭૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ૩ર,૭૧,ર૬ર ગુનેગારો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી ૭,૯૪,૬૧૬ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ૧૧,૪૮,૮ર૪ લોકોને દોષમુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રથમ ઘટના નથી જ્યારે કોઈ પત્રકારની હત્યા કરવામાં આવી હોય. રર નવેમ્બરે ત્રિપુરામાં બંગાળી દૈનિકના પત્રકાર સુદીપ દત્તાની ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. હત્યાનો આરોપ ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સના એક કોન્સ્ટેબલ પર લાગ્યો હતો. ર૦ સપ્ટેમ્બરે ત્રિપુરાના મંદાઈમાં પત્રકાર શાંતનુ ભૌમિકની હત્યા કરાઈ હતી. પાંચ સપ્ટેમ્બરે કર્ણાટકના બેંગ્લુરૂમાં પત્રકાર ગૌરી લંકેશની તેમના ઘર બહાર હત્યા કરાઈ હતી. અગ્રણી હિન્દી અખબાર હિન્દુસ્તાનના નવીન ગુપ્તાની હત્યા કરાઈ હતી. પ્રેસ ફ્રીડમ મામલે ૧૮૦ દેશોની યાદીમાં ભારતનો ૧૩૬મો ક્રમ છે. જેના માટે મોદી પ્રેરીત રાષ્ટ્રવાદ અને ‘સેલ્ફ સેન્સરશીપ’ જવાબદાર છે.