ભરૂચ,તા.રપ
ભરૂચ જિલ્લાના મનુબર ગામના વતની અને બોલ્ટન યુ.કે. ખાતે સ્થાયી થયેલા પટેલ મહંમદ મુસા ઉર્ફે સૂફી મનુબરીનો જન્મ ઈ.સ. ૧૯૩૩માં મનુબર ગામે થયો હતો. ૧૯૬૩માં તેઓ યુ.કે. ગયા અને છેલ્લા પપ વર્ષથી યુ.કે.ના માન્ચેસ્ટર પાસે આવેલા બોલ્ટન નગરમાં વસવાટ કરી રહ્યા હતા. જો કે બીમારીના કારણે ગઈ રાત્રે બોલ્ટન ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.
ગુજરાતી હાસ્ય કવિતા ક્ષેત્રે (હઝલક્ષેત્રે) સૂફીનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. એમના ત્રણ કાવ્યસંગ્રહો ‘તાકેલા તીર’ (૧૯૭૯), ‘ધબાકો’ (૧૯૯૮) અને ‘રમુજી રમખાણ’ (ર૦૦૯) પ્રગટ થયા છે. આ સંગ્રહોમાં હાસ્ય કટાક્ષના પુસ્તકો, નઝમો અને દીર્ધકવિતાઓ છે. જો કે તેમાં હઝલોનું પ્રમાણ વધુ છે. તેઓ એક હઝલકાર તરીકે જ નહીં પરંતુ મિલનસાર, વિવેકી, પ્રેમાળતા માટે પણ લોકોમાં પ્રિય હતા. સૂફી ખરેખર તો હાસ્યકવિ તરીકે જાણીતા થયા હતા. મુશાયરાઓમાં તેમની હઝલો શ્રોતાઓને હાસ્યરસમાં તરબોળ કરતી હતી. એમના વિના મુશાયરાઓ હવે ફીકા પડી જશે. સૂફી મનુબરીએ પોતાની હઝલોમાં મુખ્યત્વે સામાજિક કુરિવાજો અને બદીઓ સામે ધારદાર કટાક્ષ-પ્રહાર કર્યો છે. ધાર્મિક અંધશ્રધ્ધા કે ધર્મના નામે થતાં ધતીંગો સામે તેઓ ચૂપ રહ્યા નથી. રાજકીય અને સામાજિક જાગૃતિ લાવવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કર્યા છે. તેઓ કવિજ્ઞાતિમાં અલગ જ તરી આવે એવા અનોખા અને વિશિષ્ટ હતા. ગઈકાલે તેમનું નિધન થતાં સમગ્ર બ્રિટનના ગુજરાતી પ્રેમીઓમાં તથા ભારત ખાતે ભરૂચ જિલ્લામાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.