બગદાદ, તા. ૩૦
સઉદી અરબના તમામ દેશોમાં હઝરત ઇમામ હુસૈન(રદી.)ની મહાન શહીદીની યાદમાં આજે યૌમે તાશુ’આનો દિવસ મનાવાયો હતો. હિજરી સનના મોહર્રમના મહિનાના ૧૦ દિવસે વિશ્વભરના કરોડો લોકો શોક મનાવે છે. ઇસવીસન ૬૮૦ના દશકમાં બની બેઠેલા ખલીફા યઝીદની ખીલાફત કબૂલ ન કરી અલ્લાહના દીનને પસંદ કરનારા ઇમામ હુસૈન(રદી.)એ કરબલાના મેદાનમાં પોતાના ૭૨ જાનિસારો સાથે શહાદત વહોરી હતી.
હઝરત ઇમામ હુસૈનની યાદમાં ખાસ કરીને શિયા બંધુઓ દર વર્ષે મોહર્રમના મહિનામાં ખાસ શોક મનાવે છે અને એકીસાથે ભેગા થાય છે. આ સમયે તમામ મુસ્લિમ સમુદાય આખી જનમેદની માટે ન્યાઝના પ્રોગ્રામ રાખે છે. આ મહિનામાં શિયા ભાઇ-બહેનો કાળા કપડાં પહેરી શોક મનાવે છે માતમ કરે છે. વિશ્વના મુસ્લિમો ઇમામ હુસૈન (રદી.)ના પરિવાર તથા તેમના જાનિસારોની શહીદીની યાદમાં ગમ મનાવે છે. યૌમે તાશુ’આ ખાસ કરીને ઇમામ હુસૈન (રદી.)ના ભાઇ હઝરત અબ્બાસ ઇબ્ને અલી (રદી.)ની વફાદારી અને યઝીદીઓ સામે એમણે કરેલા પ્રતિકારની યાદમાં મનાવાય છે. કરબલાની લડાઇમાં એમની કુરબાનીને ખાસ યાદ કરવામાં આવે છે. હકીકતમાં આ લડાઇ દુર્જન વિરુદ્ધ સજ્જન સામે સારા લોકોની હતી. મોહર્રમ દરમિયાન લાખો લોકો ઇરાકના નજફથી કરબલા તરફ પ્રયાણ કરે છે જ્યાં હઝરત ઇમામ હુસૈન (રદી.)નો રોઝો છે. અહીં લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ યોજે છે. હઝરત ઇમામ હુસૈને જે સંદેશ આપ્યો તે જ રીતે આ તમામ પ્રક્રિયાઓ મુસ્લિમોને એકબીજા સાથે બંધુત્વની ભાવના જગાડે છે.