(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૧
સમગ્ર રાજયમાં અગાઉ ચર્ચાસ્પદ બની રહેલ રૂા.૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં ભાજપના બે પૂર્વ મંત્રીઓની મુશ્કેલીમાં વધારો થાય તેમ સ્પષ્ટ જણાય છે. આ કૌભાંડ અંતર્ગત પોતાની સામેની કોર્ટ કાર્યવાહી રદ કરવા હાઈકોર્ટ સમક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણી અને વર્તમાન મંત્રી પુરૂષોત્તમ સોલંકીએ કરેલી અરજી આજે હાઈકોર્ટે ફગાવી દઈ બે સપ્તાહમાં કોર્ટ સમક્ષ હાજર થવાના આદેશો જારી કર્યા છે. હવે આ બંને નેતાઓ સામે ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલશે. ગુજરાતના ફિશરીઝ કૌભાંડમાં રાજ્ય સરકારના તત્કાલીન ફિશરીઝ મિનિસ્ટર અને ભાજપના સિનિયર નેતા દિલીપ સંઘાણી તથા મંત્રી પુરૂષોત્તમ સોલંકી સામેની પ્રોસેસ રદ કરવા ગુજરાત હાઇકોર્ટે ઇન્કાર કરતા ભાજપના આ બંને નેતાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે આ બંને નેતાઓએ ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટમાં બે સપ્તાહમાં હાજર થવું પડશે. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકી વિરુદ્ધ ૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં લાચ-રૂશ્વત વિરોધી કાયદા હેઠળ નોંધાયેલી ફરિયાદ રદ કરવાના મુદ્દે થયેલી અરજીમાં હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં મૂળ ફરિયાદી પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે, આ સમગ્ર મામલે લાબા સમયથી કાનૂની જંગ ચાલી રહ્યો છે. વળી રાજ્યપાલ દ્વારા સોલંકી વિરુદ્ધ કાર્યવાહી માટેની મંજૂરી આપ્યા બાદ વિસ્તૃત તપાસના અંતે ૪૦૦ પાનાંનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. જે મુજબ તેમની વિરુદ્ધ કાયદાની જોગવાઇઓ હેઠળ ગુનો સાબિત થઈ શકે તેમ છે. તેથી આ ફરિયાદ રદ કરવી જોઈએ નહીં અને સોલંકીએ કરેલી રિટ રદબાતલ ઠેરવવી જોઈએ.’ આ જ મામલે દિલીપ સંઘાણીએ પણ ફરિયાદ રદ કરવા અરજી કરી હતી. આ સમગ્ર કેસની હકીકત એવી છે કે અગાઉ પણ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રહેલા પરષોત્તમ સોલંકીએ માછીમારી માટે જળાશયોને રાજ્ય સરકારની નીતિથી વિરુદ્ધ જઇને અને કોઈ પણ પ્રકારની ટેન્ડરિંગની પ્રક્રિયાનો અમલ કર્યા વિના લાગતા વળગતાઓને માછીમારીના કોન્ટ્રાક્ટ ફાળવી દીધા હતા. લગભગ ૫૮ જેટલા જળાશયો માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. તેથી આ સમગ્ર મામલે ઇશાક મરડિયા દ્વારા હાઇકોર્ટ સમક્ષ અરજી કરાઈ હતી અને આ રીતે નિયમોનો ભંગ કરીને જળાશયોના કોન્ટ્રાક્ટ ફાળવીને સોલંકી દ્વારા રાજ્ય સરકારની તીજોરીને ૪૦૦ કરોડનું નુકસાન કર્યાનું જણાવવામાં આવ્યું હતું જેને પગલે હાઇકોર્ટે આ જળાશયોની ફાળવણી રદ કરી હતી અને ટેન્ડરની પ્રક્રિયા અપનાવીને કોન્ટ્રાક્ટ આપવાનો આદેશ કર્યો હતો. આ જ મામલે પરષોત્તમ સોલંકી વિરુદ્ધ લાચ-રૂશ્વત વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવા ઇશાક મરડિયાએ મંજૂરી મેળવવા અરજીઓ કરી હતી. જેમાં લાબા કાયદાકીય જંગ છતાય મંજૂરી મળી નહોતી. તેથી હાઇકોર્ટમાં કોર્ટની અવમાનનાની અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યપાલ દ્વારા કાર્યવાહી કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટે આ મામલે ધારા-૨૦૨ હેઠળની તપાસનો આદેશ આપ્યો હતો. જેમાં તપાસ અધિકારી દ્વારા બે વર્ષથી વધુ સમય સુધી તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે ૪૦૦ પાનાંનો અહેવાલ અને ૩૦૦૦ પાનાંની ફાઇલો રજૂ કરવામાં આવી હતી. જેમાં મંત્રી પરસોત્તમ સોલંકી ઉપરાંત દિલીપ સંઘાણી તથા અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી શકાય તેવો અહેવાલ સામે આવ્યો હતો. જેથી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પ્રોસેસના આદેશ કરાયા હતા. આ કેસમાં સંઘાણી તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, તેમનો ઉલ્લેખ મૂળ ફરિયાદમાં પણ કરવામાં આવ્યો નથી. તેમની સામે કાર્યવાહી કરવા માટેની કોઈ મંજૂરી પણ આપવામાં આવી નથી. તેથી તેવા સંજોગોમાં તેમની કોઈ સંડોવણી ના થતી હોવાથી તેમની વિરુદ્ધની ફરિયાદ રદ કરવામાં આવે. જો કે હાઇકોર્ટે માંગણી ફગાવી પરસોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને બે સપ્તાહમાં હાજર થવાનો આદેશ કર્યો છે.