અમદાવાદ, તા.૧
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સામે લોકો દ્વારા કરાયેલી અરજીનો નિકાલ આવે નહીં ત્યાં સુધી હાઇ કોર્ટે પૂર્વવત સ્થિતિ જાળવવા આદેશ આપતાં ગુજરાત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટને ફટકો પડયો હતો. ૧૧ ડિસેમ્બર ૨૦૧૭થી આ આદેશ આવ્યો હોવા છતાં તેમાં ગુજરાત સરકાર ખેડૂતોને ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ નોટિસ આપીને પરેશાન કરી રહી હતી. સાત ગામના ૩૬૦૦ ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. જો કે, હાઈકોર્ટના આદેશથી જમીન ખેડૂતો પાસેથી મફતમાં લઈને ઉદ્યોગોને આપી દેવાની નીતિને મોટી લપડાક પડી હતી. ગુજરાત હાઈકોર્ટમાં સર કાયદાની બંધારણીય યોગ્યતા અને ટાઉન પ્લાનિંગ એકટને ખેતીની જમીનમાં લાગુ કરવાની કાયદેસરતાને પડકારાઈ હતી. રાજય સરકારને આ ૨૨ ગામોની જમીનનો કબજો ના લેવા અને યથાસ્થિતિ જાળવી રાખવા માટે આદેશ કર્યો હતો. તેમ છતાં ખેડૂતોને ટાઉન પ્લાનિંગ માટે દસ્તાવેજો રજૂ કરવા ૧૦ જેટલી નોટિસ સરકારે આપી હતી. આમ કન્ટેમ્પ્ટ ઓફો કોર્ટની નોટિસ ગુજરાત હાઈકોર્ટે સરકારને આપી છે. આમ છતાં હવે ભાજપ સરકારનું વાયબ્રન્ટ ગુજરાતનું સ્વપ્ન ખંભાતના અખાતમાં ગરકાવ થઈ ગયું છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ ધોલેરાને આગળ કરી પ્રચાર કરવાની ગણતરી પણ ખોરવાઈ ગઈ છે.આ ચૂકાદો એટલા માટે મહત્ત્વનો હતો, કારણ કે રાજય સરકાર ધોલેરા એક નહીં પરંતુ રાજયમાં આવા અન્ય ૧૪ સર બનાવવા માંગે છે. હાઈકોર્ટના મનાઈ હુકમના કારણે સર એકટની બંધારણીય યોગ્યતા પર હવે સવાલ ઊભા થઈ રહ્યાં છે. ગુજરાત ખેડૂત સમાજ અને ધોલેરા વિસ્તારના ૨૨ ગામોના લોકો દ્વારા કરાયેલી અરજીના પગલે ત્રણ કલાક લાંબી ચાલેલી સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ વિપુલ પંચોલીની બનેલી ડિવિઝન બેંચે અરજીને દાખલ કરી હતી અને રાજ્ય સરકારને પૂર્વવત સ્થિતિ જાળવવા આદેશ આપ્યો હતો. તેમ એડવોકેટ વખારિયાએ તે સમયે જણાવ્યું હતું. જાહેરહીતની અરજીમાં સર એકટની કલમ ૩,૪,૫,૮,૧૭,૨૯ની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી છે. ખેડૂતો દ્વારા કોર્ટ સમક્ષ એવી દલીલ મૂકવામાં આવી છે કે આ તમામ જમીન પંચાયતની અંદર આવે છે અને ખેતીની જમીન છે. જે વિસ્તાર ગ્રામ્ય માંથી શહેરી બનવા તરફ જઈ રહ્યો હોય તો તેના વિકાસ માટે ઓથોરિટીની રચના કરવી પડે. રાજય સરકારનું પગલું બંધારણના અનુચ્છેદ ૨૪૩ (ઝેડ)(ડી) અને (ઝેડ)(ઈ)નું સીધુ ઉલ્લંઘન છે.
નોટિસનો વિરોધ કરવા માટે ૩૬૦૦ ખેડૂતોએ સરકારી કચેરીએ એકઠા થઈને વિરોધ કર્યો હતો. ખેડૂતો છેલ્લાં ૧૦ વર્ષથી પોતાની જમીન નહીં આપવા માટે આંદોલન ચલાવી રહ્યાં છે અને ધોેલેરા સર એક્ટ ૨૦૦૯નો પણ સતત વિરોધ કરી રહ્યાં છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હસ્તક આવતો શહેરી વિકાસ વિભાગ કોઈ પણ રીતે ખેડૂતોની જમીન લઈ લેવા માંગે છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા આગામી વર્ષોમાં સ્માર્ટ સિટીનું નિર્માણ કરવા માટે ભાજપના નેતાઓ અધિરા બન્યા છે.
ખેડૂતોનું જણાવવું છે કે, ભાજપના ટોચના નેતા કે જે ધોલેરાના જ વતની છે. તેમ છતાં ખેડૂતોનો અવાજ તેમણે ભાજપમાં ક્યારેય ઊઠાવ્યો નથી.