અમદાવાદ, તા.ર૪
રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જિંન્ગની પ્રવૃત્તિને રોકવા માટે જરૂરી નિર્દેશોની માંગ સાથે થયેલી અરજીના મામલે હાઈકોર્ટે સરકાર સામે નારાજગી વ્યકત કરી. સરકારે કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો જેની સામે કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને કોર્ટે નોંધ્યું કે, બહુ દુઃખ સાથે આ રિપોર્ટ અમે રેકોર્ડ પર લઈ રહ્યા છીએ. આ રિપોર્ટમાં કોઈ પણ નક્કર, સચોટ અને સંતોષજનક પગલાં લેવાયા નથી. અમે રાજ્ય સરકાર પાસેથી સ્પસ્ટ એક્શન ટેકન રિપોર્ટની અપેક્ષા રાખતા હતા. જેમાં prohibition of manual scavenging act અને તેમના પુનર્વસન એક્ટ ૨૦૦૩ની જોગવાઈઓનું પાલન કરતા અને નક્કર પગલા જે પગલાઓની નોંધ લઈ શકાય. તેવા પગલાઓનો મુદ્દાસર ઉલ્લેખ હોવો જોઈતો હતો. એની જગ્યાએ ફક્ત શું નક્કર પગલાં લઈ શકાય તેવી નીતીનો જ ઉલ્લેખ જોવા મળે છે. કોર્ટે એમ પણ કહ્યું કે, આવતી સુનાવણીએ અપેક્ષા મુજબનો રિપોર્ટ ફાઈલ કરવામાં નહીં આવે તો કોર્ટે જરૂરી નિર્દેશો જારી કરશે. આ કેસમાં વધુ સુનાવણી ૧૦ ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. કોર્ટે સરકારને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જિંન્ગની પ્રવૃત્તિને રોકવા માટે જરૂરી નિર્દેશોની માંગ સાથે થયેલી અરજીમાં ગત સુનવણી દરમ્યાન હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે, રાજ્યમાં ચાલતી મેન્યુઅલ scavengingની પ્રવૃત્તિ જે વિસ્તારોમાં થઈ રહી છે ત્યાં પ્રશાસન પહોંચે સાથે જ સ્વૈચ્છિક સંસ્થાઓ અને એનજીઓ પણ મેન્યુઅલ સ્કેવેંજિન્ગ પ્રવૃત્તિના કિસ્સાઓ સરકારના ધ્યાને લાવે. હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, સરકારના ધ્યાને લવાયેલા કિસ્સાઓમાં સરકાર તાત્કાલિક અસરથી આ પ્રવૃત્તિને રોકવા માટે સૂચક પગલા લે. આ સાથે જ ગટર કે ભૂગર્ભ ટાંકા સાફ કરવા માટે માણસોને પ્રોટેક્ટિવ ગિયર્સ સિવાય ઉતરવા પર પણ હાઇકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરાના ડભોઇ તાલુકાના ફરતીકૂઇ નજીક આવેલી દર્શન હોટલમાં ખાળકૂવો સાફ કરવાની કામગીરીમાં ૭ લોકોનાં મોત થયા હતા. તેથી હાઈકોર્ટ ત્રણ અઠવાડિયા બાદ પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે સરકારને આદેશ કર્યો હતો.