અમદાવાદ,તા.રર
પેપર લીક કાંડ બાદ ફરીથી લેવાયેલ લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર પર બારકોડ લગાવવા અને પેપર અધૂરૂ રહી જવા મામલે જુદા-જુદા ઉમેદવારોએ હાઈકોર્ટમાં બે જુદી-જુદી પિટિશન દાખલ કરી છે. ત્યારે જો ફરીથી પરીક્ષા રદ થાય તો સમય અને ખર્ચ તેમજ ઉમેદવારોની મહેનત બધુ જ કંઈ કામમાં આવ્યું ન ગણાશે અને ૯ લાખ જેટલા ઉમેદવારોને બીજીવાર પરીક્ષાની તૈયારીમાં લાગી જવું પડશે. ત્યારે આ મામલો ચર્ચામાં આવતા ચકચાર મચી જવા પામી છે. લોક રક્ષક દળની પરીક્ષા મામલે સર્જાયેલા વિવાદ મામલે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પાંચ જેટલા પરીક્ષાર્થીઓ દ્વારા હાઈકોર્ટમાં પરીક્ષા રદ કરવા બે અલગ અલગ પિટીશન દાખલ કરવામાં આવી છે. પાંચ જેટલા ઉમેદવારો દ્વારા બે અલગ-અલગ પિટિશન દાખલ કરવામાં આવી છે. બારિયા ગીતાએ ૨૧૨૨ નંબરની પિટીશન દાખલ કરાવી છે. ગીતાને છ ડિસેમ્બરે આપેલ પરીક્ષામાં અધૂરું પેપર આપવામાં આવ્યું હતું. જેથી ન્યાય માટે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બીજી તરફ ૨૧૨૩ નંબરની પિટીશન ચાર પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. જેમણે લોક રક્ષક દળની પરીક્ષા રદ કરી નવેસરથી લેવા માંગણી કરી છે તેમનો મત છે કે ૬ ડિસેમ્બરે લેવાયેલ પરીક્ષામાં બારકોડ લગાવવામાં આવ્યા ન હતા. જેથી પરીક્ષાની ગુપ્તતા ન જળવાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે અરવલ્લી જીલ્લાના જીલ્લા પંચાયતના સભ્ય કીર્તિ પટેલે પરીક્ષા રદ કરવા સીએમઓ અને પીએમઓને પણ લેખિત રજૂઆત કરી છે. હવે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી પરીક્ષા રદ કરવા માંગણી કરી છે. પત્રમાં કીર્તિ પટેલે લખ્યું કે ફરીથી લેવાયેલી પરીક્ષામાં ગુપ્તતા જળવાઇ નથી. પરીક્ષામાં બારકોડ સ્ટીકરનો ઉપયોગ નહી થતા મોટી ક્ષતિ હતી. પરીક્ષા વિભાગની આ ભૂલને લીધે ૯ લાખ ઉમેદવારો સાથે મજાક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું. પેપર ફૂટી જતાં ૬ જાન્યુઆરીએ ફરી પરીક્ષા યોજાઇ હતી. જો કે ફરીથી યોજાયેલી પરીક્ષામાં વિવાદ થયો છે.