(એજન્સી) તા.૧૩
પૂણે પોલીસે પત્રો લીક કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાની સાઝીશનો પર્દાફાશ કરીને હાઇકોર્ટની સૂચનાઓ અને દિશા નિર્દેશનું ઉલ્લંઘન કર્યુ છે. ૬ જૂનના રોજ માઓવાદી સાથે સાંઠગાંઠ ધરાવનાર વકીલ સુરેશ ગાડગીલ, પ્રો.સોમા સેન અને કર્મશીલો મહેશ રાઉત, સુધિર ધાવલે અને રોના વિલ્સનની ધરપકડ કર્યાના થોડા સમય બાદ નાયબ પોલીસ કમિશનર રવિન્દ્ર કદમે પત્રકાર પરિષદ બોલાવીને પાંચેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ તપાસ અંગે સ્પષ્ટતા કરી હતી અને તેમની વિરુદ્ધના આક્ષેપોની વિસ્તૃત વાત કરી હતી.
આ પાંચેયની ૩૧ ડિસે.ના રોજ પૂણેમાં અલગાર પરિષદના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી હતી જે માટે કદમે એવો દાવો કર્યો હતો કે તેને નાણાકીય સહાય માઓવાદી સંગઠનો દ્વારા આપવામાં આવી હતી અને ૧ જાન્યુ.ના રોેજ કોરેગાંવ-ભીમામાં દલિત-મરાઠા વચ્ચે હિંસક અથડામણો થઇ હતી. ૭ જૂનના રોજ પાંચેયને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા તે પહેલા તેમની પાસેથી બે પત્રો મળી આવ્યા હતા જેમાં વડાપ્રધાન મોદીની હત્યા કરવાની સાઝીશની ચર્ચા થઇ હતી અને આ પત્ર મીડિયાહાઉસ અને ટીવી ચેનલોને લીક કરવામાં આવ્યો હતો કે જેના પર ભારે ડિબેટ થઇ હતી.
પૂણે પોલીસના આ બંને પગલાંઓ કાયદાના ઉલ્લંઘન સમાન હતા કારણ કે પોલીસ દ્વારા આ રીતે કેટલાક ચોક્કસ કિસ્સાઓમાં મીડિયાને માહિતી લીક કરવામાં આવતી હોવાથી આ ગેરરીતિને અટકાવવા બોમ્બે હાઇકોર્ટે ૭ નવે.૨૦૧૪ના રોજ પોલીસ કેટલી હદે અને કઇ રીતે કેસની વિગતો મીડિયાને લીક કરી શકે એ અંગે દિશા નિર્દેશો જારી કર્યા હતા.
અદાલતે અગાઉના આદેશમાં મહારાષ્ટ્ર પોલીસને યોગ્ય અને ફરજીયાત માર્ગદર્શિકાઓ ધરાવતા પરિપત્ર જારી કરવાની સૂચના આપ્યા બાદ આ દિશા નિર્દેશો જારી કરાયા હતા. સરકારે આ સંદર્ભમાંં ૩૦ ઓક્ટો.૨૦૧૪ના રોજ એક પરિપત્ર જારી કર્યો હતો જેમાં પોલીસકર્મીઓ અને સરકારી વકીલોને જ્યાં સુધી અદાલતમાં ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી આરોપીઓના નામો, તેમની તસવીરો, સરનામા, પરિવારજનોની વિગતો તેમજ તપાસની વિગતો જાહેર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આમ ક્રિમિનલ વકીલોના મતે પૂણે પોલીસે બોમ્બે હાઇકોર્ટ અને મહારાષ્ટ્ર પોલીસના પરિપત્રમાં જારી કરવામાં આવેલ દિશાનિર્દેશોનો ભંગ કર્યો છે એવો મત વ્યક્ત કર્યો હતો.