(એજન્સી) ચંદીગઢ, તા.ર૦
સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસમાં સ્વામી અસિમાનંદ અને અન્ય આરોપીઓને મુક્ત કરવાની વિરૂદ્ધ એક પાકિસ્તાની મહિલાએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હફીઝાબાદની રહેવાસી રાહિલા વકીલના પિતાનું ર૦૦૭માં થયેલા આ વિસ્ફોટમાં મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, આ વિસ્ફોટમાં ૬૮ લોકોનાં મોત નિપજ્યા હતા.
રાહિલાએ યુપીના એક સંબંધી મારફતે કોર્ટમાં અરજી કરી છે. જો કે, ટેકનિકલ કારણોસર અત્યાર સુધી હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગે આ અરજીની સુનાવણી માટે મંજૂરી આપી નથી. રાહિલાનું પ્રતિનિધિત્વ કરી રહેલા મોમિન મલિકે કહ્યું કે, ‘‘અમે અરજી દાખલ કરી છે અને તેના પર ટૂંક સમયમાં જ સુનાવણી થાય તેવી આશા છે.’ આ કેસમાં મુક્ત થયેલા આરોપીઓ ઉપરાંત હરિયાણા પોલીસ, એનઆઈએ અને કેન્દ્ર સરકારને પણ આરોપી બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટના ૧ર વર્ષ બાદ આવેલા નિર્ણયમાં આ વર્ષે ર૦ માર્ચના રોજ પંચકુલાની વિશેષ એનઆઈએ અદાલતે અસિમાનંદ, લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રજિન્દર ચૌધરીને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. કોર્ટે માન્યું કે, નક્કર પુરાવાઓના અભાવને પગલે દોષિતોને સજા આપી શકાય નહીં. એનઆઈએ અથવા કેન્દ્ર સરકારે પણ આ નિર્ણયની વિરૂદ્ધ અપીલ કરી નથી. ચુકાદો આપ્યાના થોડા કલાકો અગાઉ જ એનઆઈએ કોર્ટના સ્પેશિયલ જજ જગદીપસિંહે રાહિલા વકીલની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં તેમના સહિત પાકિસ્તાનના ઘણા પ્રત્યક્ષદર્શીઓની પણ પૂછપરછ કરવાની માગણી કરવામાં આવી હતી. કોર્ટે માન્યું છે કે, આ અરજીએ કેસને લાંબો ખેંચવાનો અને પ્રસિદ્ધિ મેળવવાનો માત્ર એક પ્રયત્ન છે. નોંધનીય છે કે, આ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોમાં ૪૩ લોકો પાકિસ્તાની નાગરિકો હતા. કેસના કથિત માસ્ટર માઈન્ડ સુનિલ જોષીનું ડિસેમ્બર ર૦૦૭માં મોત નિપજ્યું હતું. સ્વામી અસિમાનંદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. ર૦૧૭માં અજમેર બ્લાસ્ટ કેસમાં પણ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.