તા.૧૩
રાઇટ ટુ એજ્યકેશન એક્ટ (આરટીઇ એક્ટ) હેઠળ ત્રીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓના વાલીઓ શાળાની પસંદગીનો વિકલ્પ આપવાની માગણી સાથે કરાયેલી જાહેર હિતની અરજીની પ્રાથમિક સુનાવણી બાદ કોર્ટે રાજ્ય સરકારને હાલમાં પ્રવેશ બાબતે જે સ્થિતી હોય તેની માહિતી રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં અરજદાર અને પાર્ટી ઈન પર્સન રજૂઆત કરનાર સંદીપ મુંજ્યાસરા દ્વારા જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, આરટીઇ એક્ટ હેઠળ ગરીબ અને દબાયેલા વર્ગના મહત્તમ વિધાર્થીઓને તેમના રહેઠાણની નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવે છે અને જેમને દૂર કે યોગ્ય પસંદગીની શાળામાં પ્રવેશ મળ્યો હોય તેને વિકલ્પ આપવો જોઈએ. પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ બાદ પણ હજુ ૩૩૦૦૦ જેટલા બાળકો તેમની નજીકની શાળામાં પ્રવેશથી વંચિત રહ્યા છે. ૪૧હજાર જેટલા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી પરંતુ તેમને પ્રવેશ મળ્યો નથી. જેમાં એવી રજૂઆત થઇ હતી કે, પ્રવેશ માટે અરજી સમયે તેમની પાસે મર્યાદિત વિકલ્પ હતો. તેમજ તેમના દ્વારા અપાયેલી પ્રાથમિકતાને ધ્યાને લેતા ત્યાં જગ્યા પ્રાપ્ત નાં હોય તેવું પણ બને છે. આથી વાલીઓને નવેસરથી શાળા પસંદ કરવાની તક આપવી જોઇએ. જેથી મહત્તમ વિદ્યાર્થી કાયદાનો લાભ લઈ શકે. જોકે અરજીનો વિરોધ કરતા સરકારે એવી રજૂઆત કરી હતી કે, હાલના તબક્કે આ શક્ય નથી. ૩જો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. તેમની પસંદગી પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અને તે અંતિમ તબક્કામાં છે. બન્ને પક્ષોએ દલીલો બાદ હાઇકોર્ટે આ બાબતે વધુ સુનાવણી ૧૯મી સપ્ટેમ્બર પર મુલતવી રાખી સરકારને ત્રીજા રાઉન્ડને આખર માં પરિણામની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે.