અમદાવાદ, તા.ર
રાજ્યમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાં મહિલાઓની દયનીય સ્થિતિના મામલે થયેલી જાહેર હિતની અરજીની આજે સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનું અવલોકન કર્યું હતું કે, નારી સંરક્ષણ ગૃહ એ કોઈ જેલ નથી કે, જ્યાં સગીરા પર કે યુવતીઓને લઈ જવાય અને તેમને બહાર નીકળવા ન મળે કે કોઈની જોડે વાતચીત કે કોમ્યુનિકેશન કરવા ન મળે. હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, નારી સંરક્ષણ ગૃહમાં રહેતી સગીરા કે મહિલાઓની આઝાદી અને પ્રાઇવસી જળવાય એની તકેદારી સરકાર રાખે તથા મહિલાઓની મદદ માટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને પણ કાર્યરત કરે કોર્ટે નારી સંરક્ષણ ગૃહને ખરાબ રહેવાની સુવિધાઓ અને વારંવાર છોકરીઓના ભાગી જવાની ઘટનાની નોંધ લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાં મહિલાઓની દયનીય સ્થિતિના મામલે થયેલી જાહેર હિતની અરજીના પગલે સરકારે નારી સંરક્ષણ ગૃહના મેનેજમેન્ટ માટેના નિયમો બનાવ્યા છે. જેમાં રાજ્ય અને જિલ્લા સ્તરની સમિતિની રચના કરીને મહિલાઓના ઉત્થાન અને સમાજમાં આત્મનિર્ભર બનીને જીવી શકે તે માટેના તમામ પગલાં લેવા અંગેના નિયમો બનાવાયા છે. અમદાવાદના ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાંથી છોકરીઓ ભાગી જવાની ઘટનાઓ બની હતી. જેના પગલે નારી સંરક્ષણ ગૃહોની દુર્દશા અને મહિલાઓની સમસ્યાનો મુદ્દો ઉઠાવતી જાહેર હિતની અરજી થઇ હતી. જેના પગલે સરકાર હરકતમાં આવી છે અને નારી સંરક્ષણ ગૃહો અંગેના નિયમો બનાવ્યા છે. જેન્ડર બેઝ્‌ડ વાયોલન્સ અને અબ્યુઝથી રક્ષણ માટે આ નિયમો બનાવાયા છે.