(એજન્સી) નવી દિલ્હી/બેંગ્લુરૂ, તા.રર
કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ સ્પીકર કે.આર.રમેશકુમાર સાથે મુલાકાત કરી વિશ્વાસમત લંબાવવા વિનંતી કરી પણ સ્પીકરે એમની વિનંતી અસ્વીકારતા કહ્યું કે, મેં વચન આપ્યું છે કે, આજે વિશ્વાસમત લેવાશે, ભલે ગમે તેટલો સમય થઈ જાય. સ્પીકરે બધા ધારાસભ્યોને સાંજે ૬ વાગે વિધાનગૃહમાં હાજર રહેવા કહ્યું છે.
આ મુખ્ય ઘટનાના ૧૦ મુદ્દાઓ
૧. સ્પીકર રમેશે ગૃહમાં જણાવ્યું કે, મને વોટ્‌સએપ ઉપર વિરોધ પક્ષના નેતાનો મેસેજ આવી રહ્યો છે જે વિશ્વાસમત માટે મતદાન કરવા કહી રહ્યા છે. મહેરબાની કરી ભાષણોને સમેટો અને મતદાનની તૈયારી કરો.
ર. મુખ્યમંત્રી કુમારસ્વામીએ બળવાખોર સભ્યોને વિનંતી કરી છે કે એ પાછા ફરે અને ભાજપને ખુલ્લો પાડે. એમણે ભાજપ ઉપર સત્તા હાંસલ કરવાના આક્ષેપો મૂકયા જે ધારાસભ્યો મુંબઈની હોટલમાં રોકાયા છે એ પાછા ફરવા ના પાડી રહ્યા છે.
૩. કર્ણાટકના ભાજપ નેતા યેદિયુરપ્પાએ જણાવ્યું કે, આજે કુમારસ્વામી સરકારનું અંતિમ દિવસ છે. ભાજપાએ કહ્યું ૧૮ ધારાસભ્યો છોડી ગયા પછી સરકાર બચવાના કોઈ સંજોગો નથી. મુખ્યમંત્રી ખોટો વિલંબ કરી રહ્યા છે.
૪. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, સ્પીકર વિશ્વાસમત બાબત જાહેરાત કરશે. અમે ગૃહમાં બહુમતી પૂરવાર કરીશું. સુપ્રીમ કોર્ટમાં કેસ પડતર છે. આવતીકાલે સુપ્રીમકોર્ટનો ચુકાદો આવી જશે.
પ. શુક્રવારે રાજ્યપાલે બે વખત વિશ્વાસમત યોજવા વિનંતી કરી હતી પણ તેમ છતાંય મતદાન યોજાયો ન હતો. કુમારસ્વામી દ્વારા ભાષણો અપાયા પછી ગૃહ મુલતવી રખાયો હતો. બે અપક્ષ ધારાસભ્યોએ પણ સરકારને આપેલ સમર્થન પાછું ખેંચ્યું છે.
૬. કોંગ્રેસના વરિષ્ઠ મંત્રી ડી.કે.શિવકુમારે દાવો કર્યો છે કે, એમને કુમારસ્વામીએ કહ્યું હતું કે ભલે કોંગ્રેસનો કોઈ નેતા મુખ્યમંત્રી બને એ માટે હું તૈયાર છું પણ ગઠબંધન ટકવું જોઈએ. જો કે, આ હકીકતની જેડીએસ નેતાઓ પુષ્ટિ નથી કરતા.
૭. કુમારસ્વામી અને કોંગ્રેસે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી રાજ્યપાલ ઉપર આક્ષેપો મૂકયા હતા કે એ અમારી કાર્યવાહીમાં દખલગીરી કરી રહ્યા છે જેનો અધિકાર એમને નથી.
૮. કોંગ્રેસના ૧૩, જેડીએસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાઓ આપ્યા હતા અને બે અપક્ષોએ સમર્થન પાછું ખેંચ્યું છે. મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ એમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
૯. શાસક પક્ષને થોડીક રાહત મળી છે. બીએસપીના એક માત્ર ધારાસભ્યએ એમને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
૧૦. ગઠબંધન પાસે ૧૧૮ ધારાસભ્યો છે. જો ૧પ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારાય તો સરકાર પાસે ૧૦૧ ધારાસભ્યો રહેશે અને ર અપક્ષો સાથે ભાજપને ૧૦૭ ધારાસભ્યો થઈ જશે જેથી સરકાર રચી શકશે.