(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧પ
રાજકોટની એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે એચડીએફસી બેન્ક જૂનાગઢના કર્મચારી કમલ ભટ્ટ અને રાજકોટના સુથારી કામ કરતા અશોક પ્રેમજીભાઈ છાયા નામના શખ્સને રૂા.૧.૬૯ કરોડની જૂની નોટ સાથે ઝડપી લેતાં ફરી જૂની નોટનું કૌભાંડ બહાર આવેલ છે અને પોલીસ દ્વારા આ નોટનો જથ્થો કોનો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સબબની માહિતી મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે જ તાત્કાલીક પગલાં ભરીને એચડીએફસી બેન્ક દ્વારા જ્યાં સુધી આ પ્રકરણની તપાસ ન થાય ત્યાં સુધી બેન્ક કર્મચારીને સ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળેલ છે. રૂપિયા પ૦૦ અને ૧૦૦૦ની જૂની નોટો બંધ થઈ ગઈ એ વાતને પણ હવે ૧ વર્ષ દોઢેક પૂર્ણ થયું છે. છતાં પણ ગુજરાત રાજ્યમાં અનેક સ્થળેથી જૂની નોટો મળી રહી છે. ત્યારે રાજકોટમાંથી અધધ… રકમની જૂની નોટો મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એસઓજીએ બાતમીના આધારે પકડેલ બે આરોપીઓમાંથી એક રાજકોટનો રહેવાસી અશોક પ્રેમજીભાઈ છાયા (માટેલ સોસાયટી) અને બીજો જૂનાગઢનો રહેવાસી કમલ મુકેશભાઈ ભટ્ટ (કર્મચારી નગર, ટીંબાવાડી, જૂનાગઢ) હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી અને આ રૂપિયાને ક્યાં લઈ જવામાં આવી રહ્યાં હતા. દરમ્યાન પ્રાપ્ત વિગત અનુસાર એચડીએફસીના બેન્ક કર્મચારી કમલ ભટ્ટ મોટા રકમના દેણામાં છું તેણે બેન્કમાં સંપર્કમાં આવતા કલાયન્ટને પોતે જૂની નોટ બદલી આપશે. તેમ કહી કટકે કટકે અનેક વ્યક્તિ પાસેથી નોટ લઈને ભેગી કરી હતી. બીજી તરફ મિત્ર અશોકે ૯૦ ટકા કમિશનથી (૧ કરોડની રદ્દીનોટ સામે નવી દસ લાખ રૂપિયાની નોટ) અમદાવાદ બદલી કરાવી દેવાનું કહેતાં તે રાજકોટ આવ્યો હતો. વિશેષમાં જૂનાગઢ એચડીએફસી બેન્કનો કર્મચારી કમલ ભટ્ટ જૂની નોટ સાથે રાજકોટ એસઓજીના હાથે ઝડપાઈ ગયો હતો.