નવી દિલ્હી તા. ૭

દિલ્હીના જળ મંત્રી પદેથી હાંકી કાઢવામાં આવેલા કપિલ મિશ્રાએ એક દિવસ બાદ રાજઘાટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગંભીર અને સનસનીખેજ આક્ષેપ કરતાં એવો દાવો કર્યો કે કેજરીવાલે મંત્રી સત્યેન્દ્ર જૈન પાસેથી બે કરોડની લાંચ લીધી છે. આ આક્ષેપને પગલે આમ આદમી પાર્ટી માટે રાજકીય કટોકટી સર્જાઈ છે. ભાજપે કેજરીવાલની સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગણી કરી તો, કોંગ્રેસ સીબીઆઈ તપાસની વાત કરી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ કપિલ મિશ્રાના આક્ષેપને વાહિયત ગણાવ્યાં છે, નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ કહ્યું કે કપિલ મિશ્રાએ કોઈ પુરાવો આપ્યો નથી.

૧. કેજરીવાલ પર બે કરોડની લાંચનો આક્ષેપ કરનાર કપિલ મિશ્રાએ કહ્યું કે હું સીબીઆઈ કે એન્ટી કરપ્શન બ્યુરો સમક્ષ કોઈ પણ બયાન આપવા તૈયાર છું. રાજઘાટ ખાતેની એક પ્રેસ કોન્ફરન્સમાં મિશ્રાએ એવો સવાલ ખડો કર્યો કે બે કરોડની રકમ ક્યાંથી આવી. આ પૈસાનું શું કરવામાં આવ્યું કે કેજરીવાલ આણી મંડળીએ કહેવું જોઈએ.

૨. ૩૬ વર્ષીય કપિલ મિશ્રાએ કહ્યું કે આજે સવારે હું ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મળ્યો હતો અને તેમને બધી વાત કરી હતી. પરંતુ આમ આદમી પાર્ટી મારી પાર્ટી હોવાથી હું તેને છોડતો નથી.

૩. મુખ્યમંત્રી આવાસ પર કેજરીવાલે મારી હાજરીમાં મંત્રી સત્યેન્દ્ર જૈન પાસેથી બે કરોડ રોકડા લીધા હતા. મિશ્રાએ એવો પણ સનસનીખેજ આક્ષેપ કર્યો કે જૈને મને કહ્યું હતું કે તેમણે કેજરીવાલના સગા માટે ૫૦ કરોડનો સોદો કરાવ્યો છે. કપિલે કહ્યું કે પહેલા મને એવું લાગતું હતુંકે કેજરીવાલ ઈમાનદાર છે પરંતુ આ પૈસા અંગે પૂછવામાં આવતાં તેમણે કોઈ માહિતી આપી નહોતી.

૪. રાજઘાટ ખાતેની એક પ્રેસ કોન્ફરન્સમાં મિશ્રાએ કહ્યું કે સત્યેન્દ્ર જૈને અરવિંદ કેજરીવાલને મારી સામે બે કરોડ રોકડા આપ્યાં હતા. મેે જ્યારે આ પૈસા અંગે તેમને પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું ક રાજનીતિમાં એવી વાતો થતી હોય છે જે જણાવવામાં આવતી નથી. જ્યારે મેં કેજરીવાલે આ પૈસાની બાબતમા પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપવાની ના પાડી દીધી હતી.

૫. તેમણે કહ્યું કે મેં કેજરીવાલને કહ્યું કે ભૂલ કોઈનાથી પણ થઈ શકે છે, તમે માફી માંગી લો. મેં તેમને એવું પણ કહ્યું કે આ વાત મારે એસીબીને બતાવવી પડશે. ત્યાર બાદ ધારાસભ્યોની બેઠક થઈ. મને લાગ્યું કે તેઓ આ બાબતમાં ચર્ચા કરશે પરંતુ એવું કંઈ ન બન્યું. મિશ્રાએ કહ્યું મારી આંખોની સામે આવું થયું હતું તેથી હું ચૂપ રહીશ નહીં, ભલેને મારા જીવ જતો રહે. મેં ઘણા પ્રકારની વાતો જોઈ હતી. મુખ્યમંત્રી સાથે ચર્ચા પણ કરી હતી. કેજરીવાલ પર ભરોસો હતો કે તેઓ ઈમાનદાર છે. કરોડોની ફંડિગનો વહિવટ કરવા પંજાબ આવ્યાં. દિલ્હી સરકારમાં પણ આવ્યાં.

૬. આ સનસનીખેજ દાવા પહેલા મિશ્રાએ કહ્યું હતું કે મને પાણીચું આપવા માટે દિલ્હીની પાણીની સમસ્યાનું બહાનું આગળ ધરવામાં આવ્યું. મંત્રી બન્યાંના એક મહિનાની સમયગાળામાં મેં ટેન્કર કૌભાંડનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. મે એસીબીને પત્ર લખ્યો હતો. હું મંત્રી પદેથી હટ્યા પછી આવું બોલી રહ્યો નથી. એસીબીને પત્ર લખ્યા બાદ હું કેજરીવાલને મળ્યો હતો.

૭. મિશ્રાએ કહ્યું  મારા બોલવા પછી મને હટાવી દેવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી અમારી પાર્ટી છે, મારી પાર્ટી છે. મેં સંઘર્ષ કર્યો છે. લાઠી ખાદી છે. કોઈ એવો નથી કે જે મને બહાર કાઢી શકે. ક્યારેય પણ પાર્ટી છોડીને જઈશ નહીં. અહિં રહીને ઝાડુ ચલાવતો રહીશ.

૮.  અરવિંદ કેજરીવાલે બે કરોડની લાંચનો આક્ષેપ થતાં ભાજપ અને કોંગ્રેસે કેજરીવાલના રાજીનામાની માંગણી કરી છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે આ આરોપ નથી સાબિતી છે.

૯. આમ આદમી પાર્ટીએ કેટલાક નવા ચહેરાઓને સરકારમાં સામેલ કર્યાં છે જેમાં સીામપુરીની ધારાસભ્ય રાજેન્દ્ર પાલ, અને કૈલાશ ગેહલોતનો સમાવેશ થાય છે.

૧૦. કપિલ મિશ્રા કુમાર વિશ્વાસની નજીક હોવાનું કહેવાઈ રહ્યું છે. કુમાર વિશ્વાસે કહ્યું કે હું અરવિંદ કેજરીવાલને છેલ્લા ૧૨ વર્ષથી ઓળખું છું અને કેજરીવાલ લાંચ લઈ શકે તેવું તો તેમના હરીફો પણ કલ્પી ન શકે.