(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
આરોગ્યની કાળજી, આરોગ્યની શ્રેષ્ઠ ગુણવત્તા ઉપલબ્ધ કરાવવાના મામલે કરાયેલા એક સર્વેમાં ૧૯પ દેશો પૈકી ભારતનો ક્રમ ૧૪પમો રહ્યો હતો. ભારત તેના પાડોશી દેશો ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂટાન કરતાં પાછળ રહ્યો હતો. એમ લાન્સેટના અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ૧૯૯૦ની સરખામણીમાં વર્તમાનમાં હેલ્થેકર અને ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો હતો. ર૦૧૬માં હેલ્થકેર અને ગુણવત્તા મામલે ભારતનો “સ્કોર” ૪૧.ર હતો. ૧૯૯૦માં આ “સ્કોર” ર૪.૭ હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, આરોગ્ય જાળવણી અને ગુણવત્તામાં વૃદ્ધિ મામલે ભારતની સ્થિતિ સુધરી હતી. ર૦૦૦થી ર૦૧૬ના વર્ષ દરમિયાન ભારતમાં સારો સુધારો નોંધાયો હતો.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ર૦૧૬માં આ મામલે ગોવા અને કેરળના ગુણ સર્વોચ્ચ રહ્યા હતા. બંને રાજ્યોએ ૬૦ પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે આ મામલે આસામ અને ઉત્તરપ્રદેશ તળિયે રહ્યા હતા. જેમણે ૪૦ પોઈન્ટ મેળવ્યા હતા. આ યાદીમાં ચીન ૪૮માં, શ્રીલંકા ૭૧, બાંગ્લાદેશ ૧૩૩, નેપાળ ૧૪૯, પાકિસ્તાન ૧પ૪ અને અફઘાનિસ્તાન ૧૯૧માં સ્થાને રહ્યા હતા. હેલ્થ ઈન્ડેક્સમાં ચીન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ભૂતાન ભારતથી આગળ રહ્યા હતા.
જ્યારે ર૦૧૬માં આરોગ્ય જાળવણી વૃદ્ધિ મામલે આઈલેન્ડ, નોર્વે, નેધરલેન્ડ, લકઝેમબર્ગ, ફીનલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટોચ પર રહ્યા હતા. ટોચના આ પાંચ દેશોના પોઈન્ટ અનુક્રમે ૯૭.૧, ૯૬.૬, ૯૬.૧, ૯૬.૦, ૯પ.૯ રહ્યા હતા જ્યારે આ યાદીમાં સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, સોમાલિયા, ગ્યુએના-બીસાઉ ચાડ અને અફઘાનિસ્તાન તળિયે રહ્યા હતા.
અહેવાલ મુજબ ક્ષયરોગ, સંધિવા, હૃદયરોગ, સ્ટ્રોક, ટેસ્ટીક્યુલર કેન્સર, આંતરડાના કેન્સર, કીડનીની બીમારીકમાં ભારતમાં યોગ્ય સારવાર મળતી નથી.