(એજન્સી) હૈદરાબાદ, તા. ૨૩
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના હાલના સાંસદ બંદારૂ દત્તાત્રેયના પુત્રનું બુધવારે સવારે હાર્ટ એટેકને કારણે મૃત્યુ નિપજ્યું હતું. બંદારૂ વૈષ્ણવે સિકંદરાબાદની ગુરૂનાનક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલોમાં કહેવાયું છે કે, વૈષ્ણવે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કર્યા બાદ તેને ગુરૂનાનક હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૈષ્ણવને મૃત જાહેર કરાયો હતો. વૈષ્ણવ એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. બંદારૂ દત્તાત્રેય સિકંદરાબાદ બેઠક પરથી ૧૦મી, ૧૨મી, ૧૩મી લોકસભા માટે સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. તેઓ અટલબિહારી વાજપેયી સરકારમાં મંત્રી હતા જ્યારે ૨૦૧૪થી એક સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી તેઓ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો સંભાળી ચૂક્યા છે.