પ્રતિકાત્મક તસવીર
 (સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
દ્વિ-ચક્રી વાહનચાલકો માટે ફરજિયાત હેલ્મેટના કાયદામાં થોડાક દિવસો પહેલાં જ રાહત આપી શહેરી વિસ્તારોમાં તેને મરજિયાત બનાવનાર ગુજરાત સરકાર હવે ભેરવાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રોડ સેફ્ટી કાઉન્સિલે હેલ્મેટ મરજિયાત કરવા અંગે પૂછવામાં આવતા આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ચોખવટ કરવી પડી છે. મુખ્યમંત્રીએ શહેરમાં હેલ્મેટ મરજિયાતને થોડાક સમયની રાહત સમાન ગણાવી તે કામ-ચલાઉ ગણાવ્યું છે. આ સાથે તેમણે હેલ્મેટ ફરીથી ફરજિયાત થશે, તેવો ઈશારો પણ આજે કરી દીધો હતો.
થોડા દિવસો પહેલાં જ ગુજરાત સરકારે હેલ્મેટને લઈ શહેરમાં રહેતાં લોકોને રાહત સમાચાર આપ્યા હતા કે હવેથી શહેરોમાં હેલ્મેટ પહેરવું મરજિયાત છે. જે બાદ શહેરોમાં રહેતાં લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. પણ હવે આ ખુશી થોડા દિવસોની જ મહેમાન છે, કેમ કે, મુખ્યમંત્રી રૂપાણીએ હેલ્મેટ ફરીથી ફરજિયાત થશે તેવું જણાવી દીધું છે.
હેલ્મેટ મરજિયાત કરવા અંગે સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી. રાજ્ય સરકારના નિર્ણય અંગે ખુલાસો કરતાં સીએમ રૂપાણીએ કહ્યું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રોડ સેફ્ટી કાઉન્સિલે રાજ્યના મુખ્ય સચિવ પાસે હેલ્મેટનો કાયદો મરજીયાત કરવા અંગે ખુલાસો માંગ્યો હતો. જેને પગલે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી.
ગાંધીનગરમાં સીએમ રૂપાણીએ રોડ સેફ્ટી કાઉન્સિલના પત્ર અંગે કહ્યું કે, કાઉન્સિલનો પત્ર ચીફ સેક્રેટરીને મળ્યો છે. જેનો જવાબ આપવામાં આવશે. પરંતુ હાલમાં જે શહેરી વિસ્તારોમાં હેલ્મેટનો કાયદો મરજીયાત કરવામાં આવ્યો છે તે માત્ર કામ ચલાઉ ધોરણે છે કાયમી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૫ દિવસ પહેલાં જ ગુજરાત સરકારે શહેરી-અર્ધશહેરી વિસ્તારોમાં ટૂ-વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કર્યું હતું. ત્યારે ફરી હવે આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવતા વાહનચાલકોના પેટમાં ફાળ પડી રહી છે. રાજ્ય સરકારના હેલ્મેટ અંગેની છૂટછાટના નિર્ણયની રોડ સેફ્ટી કાઉન્સિલે આકરી ટીકા કરી હેલ્મેટ ફરીથી ફરજિયાત કરવાના સરકારને નિર્દેશ આપ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.