Ahmedabad

રાજ્યના મહાપાલિકા-પાલિકાના વિસ્તારોમાં ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટમાંથી મુક્તિ !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૪
રાજ્યભરના શહેરોમાં રહેતા ટુ-વ્હીલર ચાલકો માટે સરકારે રાહતનો નિર્ણય લીધો છે. મહાપાલિકા અને નગરપાલિકાના હદ વિસ્તારમાં ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાની જાહેરાત સરકાર દ્વારા આજે કરવામાં આવી છે. ફરજિયાત હેલ્મેટ સહિતના મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈઓના અમલ દરમિયાન ભારે દંડને લઈ વાહન-ચાલકો પરેશાન થતાં તે અંગેની રજૂઆતો બાદ આખરે સરકારે આજે કેબિનેટની બેઠકમાં આ મુદ્દો લાવી છૂટછાટ આપવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયથી હજારો વાહનચાલકોની હાડમારી ઓછી થશે. વાહનચાલકો માટે અત્યંત આકરા દંડના કડક ટ્રાફિકના નિયમો અમલમાં આવ્યા બાદ હવેથી મહાનગરપાલિકા (મ્યુનિ. કોર્પોરેશન) અને નગરપાલિકા તથા મ્યુનિસિપાલિટીની હદમાં આવતા એટલે કે શહેરી-અર્ધશહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કરાશે. આમ શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારમાં કોઈ પણ ટુ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવશે તો તેને ટ્રાફિક પોલીસ દંડ કરી શકશે નહીં. અલબત્ત, હાઈવે પર ટુ-વ્હીલરચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે અને તે નિયમનું પાલન નહીં કરનારને આકરો દંડ પણ કરાશે. ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારમાં ટ્રાફિકને કારણે આમેય ટુ-વ્હીલરની ગતિ ભાગ્યે જ કલાકના ૫૦ કિ.મી.થી ઉપર જતી હોય છે. બીજીતરફ હેલ્મેટને સાચવવા અને તેની જાળવણીમાં ઘણી તકલીફ પડતી હોવાની પણ ટુ-વ્હીલરચાલકોની ઘણા સમયથી ફરિયાદ હતી. અમુક કાનૂની જોગવાઈઓને ટાંકીને પણ ટુ-વ્હીલરચાલકો ઘણા લાંબા સમયથી માગણી કરી રહ્યા હતા કે, કમસેકમ શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારોમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમમાં છૂટ આપવામાં આવે. જેને પગલે મુખ્યમંત્રીએ આજે નિર્ણય લીધો હતો. જો કે, ગુજરાત સરકારની કેબિનેટમાં સ્ટેટ તથા નેશનલ હાઈવે પર વાહન હંકારતા ટુ-વ્હીલરચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવાનો નિયમ ચાલુ રાખ્યો છે. હાઈવે પર વાહનની ગતિ કલાકના ૫૦ કિ.મી.થી પણ વધુ રહેતી હોય છે. આ સંજોગોમાં અકસ્માત થાય તો ટુ-વ્હીલરચાલકને માથામાં ઈજા પહોંચવાનું જોખમ વધી જાય છે. આ સંજોગોમાં હાઈવે પર ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ ફરજિયાત રાખવાનો નિયમ ચાલુ રખાયો છે. આ નિયમના ઉલ્લંઘન પર દંડની જોગવાઈ પણ ચાલુ રહેશે.