(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
બોલીવુડ અભિનેત્રી અને ભાજપા સાંસદ હેમા માલિનીએ દાવો કર્યો છે કે, તે ઈચ્છે તો કોઈ પણ સમયે કોઈ પણ રાજ્યની સીએમ બની શકે છે, પરંતુ તે ખુદ એવું નથી ઈચ્છતી. હેમાનું કહેવું છે કે, જો તેવું થાય તો મારી આઝાદી છીનવાઈ જશે. રાજસ્થાનના બાંસવાડા પ્રવાસ પર આવેલી હેમાએ આ વાત લોકોને જણાવી હતી. અહીં હેમાને જોવા માટે તેમના પ્રશંસકોની ભારે ભીડ ઉમટી હતી. તમને જણાવી દઈએ કે, હેમા યૂપીના મથુરાથી બીજેપી સાંસદ છે. જ્યારે હેમા માલિનીને પૂછવામાં આવ્યું કે, તમને સાંસદના રૂપમાં વધુ ઓળખ મળી અથવા તો એક અભિનેત્રીના રૂપમાં અને બન્નેમાંથી ક્યું કામ સૌથી સારું લાગ્યું તો હેમાએ આ સવાલના જવાબ આપવા માટે એક પણ સેકેન્ડની વાર લગાવ્યા વગર કહ્યું કે, આજે મને જે પણ ઓળખ મળી છે તે બોલીવુડ અભિનેત્રીના રૂપે મળી છે. જો કે તેમને એવું પણ કહ્યું કે, સાંસદના રૂપમાં મને કામ કરવામાં સારું લાગ્યું, કારણ કે મને મથુરાના લોકો માટે કામ કરવાનો મોકો મળ્યો. હેમા માલિનીએ દાવો કર્યો કે તમામ વર્ષોમાં મથુરામાં જેટલું કામ નથી કર્યું, તેટલું તેમને ચાર વર્ષોમાં કર્યું છે. ખાસ કરીને તેમને મોટા પ્રમાણમાં રસ્તાઓનું નિર્માણ કરાવ્યું હતું. મોદી સરકારના કામના સવાલ પર હેમાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન મળવા મુશ્કેલ છે. હેમાના મતે, મોદી ગરીબો, ખેડૂતો અને મહિલાઓ માટે ખાસ કામ કરી રહ્યા છે. હેમાએ કહ્યું, પાણી અને વિજળી માટે પણ અમારી સરકારે ઘણું કામ કર્યું છે.