(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
ઉદ્યોગ જગતમાં જાહેરાત એક વિશેષ સાધન છે. જાહેરાતના માધ્યમથી બોલિવૂડ સિતારાઓ દેશ-વિદેશની કંપનીઓના ઉત્પાદન લોકો સુધી પહોંચાડે છે. લોકો પર જાહેરાતોની સકારાત્મક અને નકારાત્મક અસર થાય છે. પરંતુ કેટલીક વાર બોલિવૂડ સિતારાઓ માટે મોટી મુશ્કેલી પણ બની જાય છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સામે આવ્યો છે. ભાજપના સાંસદ અને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિની વિરૂદ્ધ જિલ્લા ગ્રાહક ફોરમમાં કેસ દાખલ કરાયો છે. ફરિયાદી સીમા શર્મા અનુસાર ર૦ જુલાઈ, ર૦૧૭ના રોજ તેમણે ભોપાલના જે.કે.રોડ સ્થિત શિવમ એન્ટરપ્રાઈઝથી ૧૪,પ૦૦ રૂપિયામાં કેન્ટ મિનરલ આર.ઓ. મશીન ખરીદી હતી. મશીન પર એક વર્ષની વોરંટી પણ હતી. કેટલાક દિવસો બાદ મશીન ખરાબ થવા માંડી અને ચોખ્ખું પાણી આવવાનું પણ બંધ થઈ ગયું. તેમણે જણાવ્યું કે, ફરિયાદ બાદ મશીનનું સમારકામ કર્યા છતાં તે ફરી ખરાબ થઈ ગઈ. ત્યારબાદ આર.ઓ. મશીન વોરંટી અવધિમાં હોવા છતાં ગ્રાહક પાસે ર,૦૦૦ રૂપિયાની માંગ કરવામાં આવી. જિલ્લા ફોરમે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે અને હેમા માલિની તમામ પક્ષકારો વિરૂદ્ધ નોટિસ જારી કરી આગામી સુનાવણી દરમિયાન હાજર રહેવા આદેશ આપ્યો છે.