(એજન્સી) તા.૨૭
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝામુમોના વડા હેમંત સોરેનના ગઠબંધન હેઠળની પાર્ટીએ બહુમત પ્રાપ્ત કરતાં ભાજપ સરકારને સત્તાથી હટાવ્યો છે. હવે હેમંત સોરેન રવિવારે ૨૯ ડિસેમ્બરે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યાં છે. ઝારખંડમાં હેમંત સોરેનના પ્રંશસક તેમને ચૂંટણીમાં મળેલી જીત બદલ બુકે મોકલીને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. એવામાં હેમંત સોરેને તેમના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર તેમના પ્રશંસકો અને જનતાને અલગ અંદાજમાં અપીલ કરી કે તેમને બૂકેની બદલે પુસ્તક મોકલે.
ઝારખંડ પ્રમુખ હેમંત સોરેને ટિ્‌વટમાં લખ્યું કે સાથીઓ, હું અભિભૂત છું આપ ઝારખંડવાસીઓના પ્રેમ તથા સન્માનથી. પણ હું તમને બધાને પ્રાથના કરું છું કે કૃપા કરી મને ફૂલોના બૂકેની બદલે જ્ઞાનથી ભરપૂર પુસ્તકો મોકલો. મને ખરાબ લાગે છે કે જ્યારે હું તમારા ફૂલોને સાચવી શકતો નથી. તેમણે કહ્યું કે મને તમારા દ્વારા મોકલવામાં આવેલા પુસ્તકો પર તમારું નામ લખી મોકલાવજો જ્યારે હું લાઈબ્રેરી બનાવીશ તો તેને ત્યાં તમારા નામ સાથે મૂકીશ. તેનાથી બધાનું જ્ઞાન વધશે.
ઉલ્લેખનીય છે કે, ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં બહુમત મેળવનાર હેમંત સોરેન ૨૯ ડિસેમ્બરે બપોરે ૨ વાગે મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમની સાથે ઝામુમો અને સહયોગી પાર્ટી કોંગ્રેસના પણ એક-એક મંત્રી શપથ લઈ શકે છે. બાકી મંત્રીમંડળનું વિસ્તરણ વિશ્વાસમત પછી થશે. જે બે મંત્રીઓની શપથ લેવાની શક્યતા છે તેમાં ઝામુમોમાંથી સ્ટીફન મરાંડી અને કોંગ્રેસમાંથી આલમગીર આલમનું નામ સામેલ છે. જોકે હજુ આ વિશે ઓફિશિયલ જાહેરાત બાકી છે.
પ્રોટોકોલ અંતર્ગત મુખ્ય સચિવ ડૉ. ડીકે તિવારીએ ગુરુવારે ગઠબંધન પક્ષના નેતા સાથે મળીને હેમંત સોરેનનો મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે આમંત્રણ આપ્યું છે. શપથ ગ્રહણ સમારોહ ૨૯ ડિસેમ્બરે બપોરે ૨ વાગે રાખવામાં આવ્યો છે. ત્યારપછી કેબિનેટ બેઠક રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિશ્વાસમત પછી વિધાનસભાનું વિશેષ સત્ર નવા ભવનમાં જ બોલાવવા વિશે સહમતી થઈ છે. આ માટે અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યો છે.
સરકાર બનાવવાની જે ફોર્મ્યૂલા દર્શાવવામાં આવી રહી છે તે પ્રમાણે આ સરકારમાં હાલ કોંગ્રેસ, ઝામુમો અને આરજેડી માટે જ જગ્યા હોય તેવુ લાગે છે. તેમાં મુખ્યમંત્રી અને આરજેડીને બાદ કરતાં ૧૦ મંત્રી પદ બચે છે. તેમાંથી કોંગ્રેસને ૪ અને એક સ્પીકર પદ આપવામાં આવશે જ્યારે ઝામુમોને ૫ મંત્રી પદ આપવાની શક્યતા જોવા મળી રહી છે. એવી પણ વાત જાણવા મળી છેકે, કોંગ્રેસ સ્પીકર પદની જગ્યાએ મંત્રી પદ જ રાખવા માંગે છે. જોકે આ પહેલાં આ વિશે ચર્ચા થઈ છે કે, ગઠબંધનમાં જે પાર્ટીના જેટલા ધારાસભ્ય હશે તે પ્રમાણે જ મંત્રી પદનું વિસ્તરણ કરવામાં આવશે. આ આધારે કોંગ્રેસને મહત્તમ ૪ મંત્રી પદ મળી શકે છે. હેમંત સોરેનની દિલ્હી મુલાકાત દરમિયાન ઘણાં નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ તે વિશે હજી કોઈ ખુલાસા કરવામાં આવ્યા નથી.