(એજન્સી) રાંચી, તા.૨૮
ઝારખંડ મુક્તિ મોરચા(ઝામુમો), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ(રાજદ) ગઠબંધનને પૂર્ણ બહુમતી મળ્યા પછી સરકાર બનાવવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ૨૯ ડિસેમ્બરે હેમંત સોરેન રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. શપથગ્રહણ સમારંભમાં ૬ મુખ્યપ્રધાન અને પાંચ પૂર્વ મુખ્યપ્રધાન સામેલ થશે. રાંચીના મોરહાબાદી મેદાનમાં હેમંત સોરેન રવિવારે મુખ્યપ્રધાન પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અનેક મોટા ચહેરા સામેલ થશે.
શપથગ્રહણ સમારંભમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સામેલ થશે. આ ઉપરાંત કોંગ્રેસના જ પી.ચિદમ્બરમ, અહેમદ પટેલ, આરપીએન સિંહ અને કે.સી.વેણુગોપાલ પણ સામેલ થશે.
આ ઉપરાંત કોંગ્રેસ શાસિત ૩ રાજ્યો(મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ) ઉપરાંત કુલ ૬ રાજ્યોના મુખ્યપ્રધાન પણ સમારંભમાં સામેલ થશે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યુપ્રધાન અરવિંદ કેજરીવાલ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્વવ ઠાકરે પણ મુખ્યપ્રધાનમાં સામેલ થશે. આ ઉપરાંત પાંચ પૂર્વ મુખ્યપ્રધાન પણ આ સમારંભમાં હાજરી આપશે.
પૂર્વ મુખ્યપ્રધાનોમાં માયાવતી, અખિલેશ યાદવ, હરીશ રાવત, ચંદ્રબાબુ નાયડુ, એચ.ડી. કુમારસ્વામી પણ સામેલ થશે. આ ઉપરાંત બિહારના પૂર્વ ઉપ મુખ્યપ્રધાન અને રાજદ નેતા તેજસ્વી યાદવ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.